ભરૂચના ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠ:નાગરિકોએ કેક કાપી ઉજવણી કરી, પ્રવાસન સ્થળ બનાવવાની માગ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠ નિમિત્તે શહેરના નાગરિક યોગી પટેલ અને તેમના સહયોગીઓએ કેક કાપીને ઉજવણી કરી. આ પ્રસંગે વહીવટી તંત્ર સમક્ષ બ્રિજને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા અને ફોટો મ્યુઝિયમ સ્થાપવાની માગ રજૂ કરવામાં આવી.
બ્રિટિશ સરકારે 1877માં આ બ્રિજનું નિર્માણ શરૂ કર્યું હતું. 16 મે 1881થી બ્રિજ પર રેલ્વે પરિવહન શરૂ થયું. ત્યારબાદ 21 ડિસેમ્બર 1885થી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ લાંબા સમય સુધી નેશનલ હાઈવે નંબર 8 તરીકે ઉપયોગમાં રહ્યો. 20 એપ્રિલ 1977થી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
2015-16માં નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવતા 12 જુલાઈ 2021થી આ નવા બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.ત્યારબાદ ગોલ્ડન બ્રિજ પરનો વાહન વ્યવહાર ઘટ્યો અને એપ્રિલ 2023થી બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
બ્રિજ સાંજના સમયે લોકો માટે ટહેલવા અને ફોટોગ્રાફી માટેનું આકર્ષણ બન્યો હતો. જોકે, સુરક્ષાના કારણે તંત્રએ પગપાળા અવરજવર પણ બંધ કરી દીધી છે. ત્યારે હાલમાં સ્થાનિક નાગરિકો માગણી કરી રહ્યા છે કે બ્રિજને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે.ત્યારે શહેરના જાગૃત નાગરિકો અહીંયા તંત્ર દ્વારા સાફ- સફાઈ, લાઇટિંગ,પાણીની સુવિધા અને ઐતિહાસિક ફોટા સાથેનું મ્યુઝિયમ બનાવવાની માગ કરી રહ્યા છે.