GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણીનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજે આ દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષો સુધી ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં લડત ચલાવી હતી.સમગ્ર દેશમાં અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના લડવૈયાઓના જીવનમાંથી પ્રેરણા લઇ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ-એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું પણ આહવાન કર્યું હતુ.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને બીરદાવ્યુ હતુ.ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અન્વયે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.તેમણે જણાવ્યુ હતુ કે,ભગવાન બિરસા મુંડાનો જન્મ ૧૮૭૫માં ઝારખંડના એક નાના ગામડામાં થયો હતો. નાનપણથી જ તેજસ્વી અને અનેક કળાઓમાં નિપૂણ ભગવાન બિરસા મુંડાએ અનેક કલાઓની સાથે વનસ્પતિઓની જડિ બુટ્ટીઓનું જ્ઞાન પણ મેળવ્યું હતુ.ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી હતી. તેમની અદમ્ય શક્તિ, લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ વંદન કરીએ છીએ.કાર્યક્રમના આરંભે વિદ્યાર્થીનીઓ દ્વારા બિહુ અને છતીસગઢી નૃત્ય તેમજ સંસ્કૃત આદિવાસી જીવન શૈલી પર આધારિત નૃત્યની પ્રસ્તુતિ વિધાર્થીનીઓ દ્રારા કરવામાં આવી હતી. મહિલા અધિકારો આદર અને સન્માન તેમજ મહિલાઓ પર થતી સતામણી અધિનિયમ ૨૦૧૩ અંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ચેતનભાઇ સોજીત્રાએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન આયોજન અધિકારી શ્રી આર. એમ.ગંભીરે કર્યુ હતું. તેમજ આભાર વિધિ પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે કરી હતી.આ તકે પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી શાખા, મહિલા લક્ષી યોજનાઓ, આઈસીડીએસ દ્વારા વાનગી નિદર્શન, સમાજ સુરક્ષા સહિતના વિભાગો દ્વારા સ્ટોલની નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હેલ્થ કેમ્પનો પણ બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. આ તકે બિરસા મુંડાજીના જીવન અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન સૌ કોઈએ નિહાળી હતી.તેમજ બહાઉદીન કોલેજ જૂનાગઢ ના અધ્યાપક શ્રી બી. એસ. રાઠોડ એ જનજાતિય ગૌરવ અને બિરસા મુંડાજીના જીવન ઉપર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે આદિજાતિ સમુદાયના સમાજના તેજ્સ્વી વિધાર્થીઓ,રમતવીરો,શ્રેષ્ઠ કર્મચારી ઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમના અંતે સૌ કોઈએ સ્વદેશી વસ્તુ અપનાવવા માટેના શપથ લીધા હતા.આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં અધિક કલેકટર બી.એસ.બારડ અને ટીમે જરૂરી સંકલન કર્યું હતું.આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા જૂનાગઢ ના મેયર શધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર,જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ,જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર,જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!