GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ

૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ

૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઉત્સાહભેર પ્રારંભ થયો હતો.દેશભરના ૫૧૬ જેટલા સ્પર્ધકોએ ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોટ મૂકી હતી.આ અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, દંડક શ્રી કલ્પેશ અજવાણી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ અગ્રણી શ્રી યોગેન્દ્ર પઢિયાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા સહિતના મહાનુભાવોએ આકાશમાં ત્રિરંગા બલૂન ફ્લાય કરી અને ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલી આ ૧૮મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૧૨ રાજ્યના ૫૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો છે, આ સ્પર્ધાથી ગુજરાત અને જૂનાગઢ સાથે દેશભરના સ્પર્ધકોનું સાંસ્કૃતિક જોડાણ પણ સ્થાપિત થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મેદસ્વિતા મુક્ત અભિયાનને પણ સાર્થક કરે છે.તેમણે જણાવ્યું કે, આ સ્પર્ધાનું પરિણામ સંપૂર્ણ ટેકનોલોજીના આધારે તૈયાર કરવામાં આવે છે, કોઈપણ માનવીય હસ્તક્ષેપ વગર આરએફઆઈડી ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો માટે રહેવા – જમવા, મેડિકલ તપાસ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધા ૪ કેટેગરીમાં યોજાઈ છે. જેમાં સિનિયર ભાઈઓમાં ૧૮૯, જુનિયર ભાઈઓમાં ૧૨૮, જુનિયર બહેનોમાં ૧૧૬ અને જુનિયર બહેનોમાં ૮૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સિનિયર-જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના ૫૫૦૦ પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયાની સ્પર્ધા રહે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!