રાજપીપલા ખાતે ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનો ૧૯ મો પદવીદાન સમારોહ યોજાયો
—-
*વન અને પર્યાવરણને લગતા ૧૯ વિષયોની તાલીમ મેળવનારા ૪૩ તાલીમાર્થીઓને પાસિંગ આઉટ પરેડ સાથે ડિગ્રી એનાયત કરાઈ*
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલાની જી. એફ. આર. સી. કેમ્પસ ખાતે યોજાયેલા ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ રાજપીપલાના ૧૯ માં પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ શ્રી યુ. ડી. સિંઘ (IFS) ની પ્રેરક ઉપસ્થિતિમાં બિહારના ૪૨ અને ગુજરાતના ૧ એમ કુલ ૪૩ વિદ્યાર્થીઓને પાસિંગ આઉટ પરેડ સાથે ડિગ્રી એનાયત કરાઈ હતી.
આજના આ પદવીદાન સમારોહમાં ૧૮ માસની સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારા તથા ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તાલીમાર્થીઓને ૭ હોનર્સ, ૩૬ પાસ અને ૫ મેડલ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યની એક માત્ર ૧૯૭૯ માં સ્થાપિત રાજપીપલા સ્થિત રેન્જર્સ કોલેજમાં વન અને પર્યાવરણને લગતા ૧૯ વિષયોની તાલીમ આપવામાં આવે છે. જેમાં વન, અભ્યારણ, નેશનલ પાર્ક અને વિવિધ વનની સંસ્થાઓની મુલાકાત કરવા તથા ફિલ્ડ એક્સરસાઈઝમાં નર્સરી, પ્લાન્ટેશન અને કલ્ચરલ ઓપરેશન, મેન્સ્યુરેશન, માર્કિંગ અને લોગીંગ, રોડ એલાઈન્મેન્ટ, એન્જીનિયરીંગ, વર્કીંગ પ્લાન અને ઇકોલોજીકલ સેન્સસ ટેક્નીક વગેરેની પણ તાલીમ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જરૂરિયાત મુજબ રીમોર્ટ સેન્સિંગ, ફોટોગ્રાફી, મોટર મેકનીક, વેપન ટ્રેનીંગ અને શારીરિક તંદુરસ્તી માટે પીટી, ફર્સ્ટ એઇડ, પરેડ, સાઈકલિંગ, યોગા, સ્વિમીંગ, યોગા અને મેડિટેશન વગેરેની તાલીમ પણ તાલીમાર્થીઓ પ્રાપ્ત કરે છે.
આ કાર્યક્રમમાં બિહાર રાજ્યના તાલીમાર્થીઓને એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (રીસર્ચ એન્ડ ટ્રેનિંગ) શ્રી એ. કે. દ્વિવેદી અને ચિફ કન્ઝર્વેટર શ્રી સુરેન્દ્ર સિંગ, જી.એફ.આર.સી. રાજપીપલાના પ્રિન્સિપલ ડૉ. એસ. કે. બેરવાલ (IFS), રાજપીપલાના વાઇસ પ્રિન્સિપલ ડૉ. જે.જી. ચૌધરીએ ગુજરાત ફોરેસ્ટ રેંજર્સ કોલેજ તરફથી તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.