GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૦મો પદવીદાન સમારોહ યોજાયો

તા.૨૫/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

શિષ્યોના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરે અને તેમના જીવન નિર્માણની જવાબદારી પણ ઉપાડે એ આચાર્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં વિદેશીઓ અભ્યાસ કરવા માટે આવી રહ્યાં છે, જે ગૌરવપૂર્ણ બાબત છે

અભ્યાસમાં જાણકારીની સાથે વિવિધ કલાઓનો પણ સમાવેશ થતાં યુવાનો ભણતર ઉપરાંત પોતાના આગવા કૌશલ્યો વિકસાવીને રોજગારી મેળવી શકે છે

પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં યુવા છાત્રોના કૌશલ્ય અને જ્ઞાનની મહત્વની ભૂમિકા : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા

૧૪ વિદ્યાશાખાના ૧૬૦ વિદ્યાર્થીઓને ૧૭૮ ગોલ્ડ મેડલ એનાયત કરાયા: ૧૮૬ વિદ્યાર્થીઓને ૨૭૧ પ્રાઈઝ અપાયા

Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૦મો પદવીદાન સમારોહ યોજાયો હતો.

કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વિદ્યાથીઓ અને ગુરુજનોએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે, જેના પરિણામે વિદ્યાથીઓ અભ્યાસ પૂર્ણ કરીને પદવી મેળવી શક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. શિષ્યોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ માટે આચાર્ય શબ્દ પણ વપરાયો છે. જે શિષ્યોને ફક્ત અક્ષરજ્ઞાન નથી આપતા, પરંતુ તેની સાથેસાથે શિષ્યોના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરે, તેમના જીવન નિર્માણની જવાબદારી પણ ઉપાડે છે, એ આચાર્ય.

પ્રાચીન કાળમાં ભારત અનેક વિદ્યાઓથી સમૃદ્ધ દેશ હતો. લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે ભારતમાં આવતાં હતાં. વર્તમાન સમયમાં દેશ આ જૂની પરંપરા સાથે કદમ મિલાવી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં વિદેશીઓ અભ્યાસ કરવા માટે આવી રહ્યાં છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર પણ ભાર અપાયો છે. અભ્યાસમાં જાણકારીની સાથે વિવિધ કલાઓનો પણ સમાવેશ થતાં યુવાનો ભણતર ઉપરાંત પોતાના આગવા કૌશલ્યો વિકસાવીને પણ રોજગારી મેળવી શકે છે, તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.

યુવાનોએ ખૂબ મહેનત કરીને મનગમતી પદવી પ્રાપ્ત કરી છે ત્યારે તેઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બને તેમજ માતા-પિતા અને ગુરુજનોના જીવનમાં સહાયરૂપ બને, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. જ્યારે માતા-પિતા-ગુરુ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કરે છે.

દીક્ષાંત એ અંત નહીં, પરંતુ દેશ પ્રત્યે ફરજ અને જવાબદારી નિભાવવાનો પ્રારંભ છે, તેમ શીખ આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનના ભંડારનો સદુપયોગ કરી સહભાગી બને. યુવા વિદ્યાર્થીઓને ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર’ બનવાની પ્રેરણા આપતાં મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈએ સ્વદેશી અને ‘આત્મનિર્ભર’ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં સમર્પિત બનવા પણ આહવાન કર્યું હતું.


રાજ્યપાલશ્રીની અનુમતિ બાદ આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયો હતો. ત્યારબાદ મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન આપીને આવકાર અપાયો હતો. કુલપતિશ્રી ડૉ. ઉત્પલભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ શાખાના ડીન શ્રી ડો. નીદત્ત બારોટ અને કુલસચિવ શ્રી મનીષ ધામેચાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ડો. ધારાબેન જોશી અને શ્રી ડો. ચંદ્રાવાડીયાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ઉલ્લેખનીય એ છે કે, આ કાર્યક્રમમાં કુલ ૪૩,૭૯૨ વિદ્યાર્થીઓને પદવી અપાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી ૧૮૬ વિદ્યાર્થીઓને ૨૭૧ પ્રાઈઝ અપાયા હતાં. તેમજ વિદ્યાર્થીનીઓને ૧૨૯ ગોલ્ડ મેડલ તથા વિદ્યાથીઓને ૪૯ ગોલ્ડ મેડલ એમ ૧૪ વિદ્યાશાખાના ૧૬૦ વિદ્યાર્થીઓને કુલ ૧૭૮ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતાં.

આ દીક્ષાંત સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, કલેકટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, પરીક્ષા નિયામક શ્રી મનીષ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટના સભ્યો, વિવિધ વિદ્યા શાખાઓના ડીન, પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓ, બિન શૈક્ષણિક સ્ટાફ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!