બાઈક ચોરીના રેકેટનો પર્દાફાશ:અંકલેશ્વરમાં 2 આરોપીની ધરપકડ, ચોરીના બાઈક કાપી સ્પેરપાર્ટ્સ વેચતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઈક ચોરીના રેકેટનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેરપાર્ટ્સ વેચી દેતા હતા.
પોલીસને મળેલી બાતમીના આધારે અંસારમાર્કેટ નજીક શંકાસ્પદ મોટરસાયકલ સાથે આવતા બે ઈસમોને અટકાવી તપાસ કરતા, તેમની પાસેનું બાઈક ચોરીનું હોવાનું બહાર આવ્યું. આરોપીઓ ઉસ્માન સીદીકી અને મોહમદ સલમાન ચૌધરીની પૂછપરછમાં તેમણે તેમના મિત્ર મુસ્તફા મનિહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી.
આરોપીઓએ હાંસોટ, પાનોલી, નવેઠા અને કોસંબા વિસ્તારમાંથી કુલ 10 જેટલી બાઈક ચોરી કરી હતી. તેઓ ચોરીના બાઈકને ગ્લેન્ડર અને અન્ય સાધનો વડે કટીંગ કરી નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરી, ટુ-વ્હીલરોના સ્પેરપાર્ટ તરીકે વેચી દેતા હતા.
પોલીસે આ કેસમાં રૂ.1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત, પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ કેસમાં કુલ 9 બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.