BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘની 75મી વાર્ષિક સાધારણ સભા પાલનપુર ખાતે યોજાઈ

29 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં સહકાર આંદોલનની અગત્યની ભૂમિકા રહી છે. ખેડુતોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ માટે 1950થી કાર્યરત બનેલો બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ, પાલનપુર આજે જિલ્લાની સૌથી અગ્રણી સહકારી સંસ્થા તરીકે ઉભરી આવ્યો છે. આ સંસ્થાની 75મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ પાલનપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી.સભાની કાર્યવાહી સંઘના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના વહીવટદાર શ્રી ગુલાબસિંહ, શ્રી નરસંગભાઈ ચૌધરી, શ્રી ભીખાભાઈ ચૌધરી, શ્રી શાંતિભાઈ પઢીયાર, શ્રી મોંઘજીભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ચૌધરી, શ્રી જીવરાજભાઈ સહિતના આગેવાનો, સભાસદો તથા જિલ્લા સહકારી સંઘના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘે શરૂઆતથી જ ખેડૂતોને ખેતીમાં નવા પ્રયોગો કરવા, પશુપાલનમાં આધુનિકતા લાવવા તેમજ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં માર્ગદર્શક ભૂમિકા ભજવી છે. સહકારી આંદોલન થકી ખેડૂત-પશુપાલકોને આર્થિક સશક્તિકરણ મળી રહ્યું છે. સંઘ દ્વારા ગામડાઓમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો, તાલીમ શિબિરો તથા શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવામાં આવે છે.
સંઘ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ બચાવો અભિયાન, કુપોષણ નિવારણ કાર્યક્રમો, યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરીને સમાજહિતમાં અગ્રેસર છે.
રાજ્યમાં કાર્યરત તમામ જિલ્લા સહકારી મંડળીઓમાં બનાસકાંઠા જિલ્લાની સહકારી મંડળીઓની સંખ્યા સૌથી વધુ છે. પાંચસોથી વધુ પ્રાથમિક મંડળીઓ હાલ જિલ્લામાં સક્રિય રીતે કાર્યરત છે. આ મંડળીઓ ખેડૂતો અને ગ્રામજનો માટે સેવાકાર્યમાં અવિરત યોગદાન આપી રહી છે. આ તમામ મંડળીઓને તાલીમ અને શિક્ષણ આપવાનું કેન્દ્રસ્થાન બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ બની ગયું છે.75મી વાર્ષિક સાધારણ સભા સંઘ માટે ગૌરવનો ક્ષણ બની. સભામાં એજન્ડા મુજબની કામગીરી હાથ ધરવામાં આવી અને સંઘની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. સભામાં ઉપસ્થિત આગેવાનો અને સભાસદોએ સહકારી આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે પોતાના સૂચનો આપ્યા.આ અવસરે આગેવાનોએ જણાવ્યું કે, “સહકાર એ ગુજરાતની આર્થિક વ્યવસ્થાનો આધારસ્તંભ છે. બનાસકાંઠા જિલ્લાના સહકારી મંડળીઓએ છેલ્લા સાત દાયકામાં ખેડૂત-પશુપાલકોના જીવનમાં મોટો ફેરફાર કર્યો છે. આગામી સમયમાં નવી પેઢીને સાથે લઈને સહકાર આંદોલનને વધુ સશક્ત બનાવાશે.”
સંઘ દ્વારા આગામી સમયમાં વધુ ગામોમાં કુપોષણ નિવારણ અભિયાનને વ્યાપક બનાવવા, યુવાનો માટે રોજગારમુખી તાલીમ પ્રોગ્રામ શરૂ કરવા અને ગ્રામ્ય સ્તરે સહકાર થકી આર્થિક વિકાસને વેગ આપવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
75મી વાર્ષિક સાધારણ સભાના આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘે ફરી એકવાર પોતાના “સહકારથી સમૃદ્ધિ”ના સૂત્રને પુનઃપ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!