હિંમતનગરના કડોલી ખાતે ૭૫ મો જિલ્લા કક્ષા વન મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો




હિંમતનગરના કડોલી ખાતે ૭૫ મો જિલ્લા કક્ષા વન મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો
***
*જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વૃક્ષ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ*
*********
સાબરકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત “એક પેડ માઁ કે નામ અભિયાન” ૭૫ મો જિલ્લા કક્ષા વન મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર તાલુકાના કટ્ટી મંદિર, કડોલી ખાતે ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યુ હતુ કે વન મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી.તે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ સાથે જવાબદારીનો પ્રતિબિંબ છે. આ અભિયાનનો ઉદ્દેશ વન અને પર્યાવરણના મહત્વની સમજી તેમની રક્ષા કરવા માટે કાર્ય કરવાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શરૂ વર્ષે ૨૫ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.જિલ્લાને હરિયાળો કરવાના ભગીરથ કાર્યમાં જિલ્લાના દરેક નાગરિક જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે વૃક્ષમાં વાસુદેવને જોનારા આપણા પૂર્વજો આદિકાળથી પ્રકૃતિના પૂજક રહ્યા છે.સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે. વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલનને કારણે જીવસૃષ્ટિને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિને નિવારવા માટે વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે.
આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલાએ જણાવ્યું હતું કે વૃક્ષની અછતથી પર્યાવરણીય અસંતુલ ઉભું થયું છે. જેના કારણે અમુક વિસ્તારમાં વરસાદની અછત તો અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થાય છે. જે ખુબ ચિંતાનો વિષય છે.
આ કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીશ્રી ડૉ.બી સુચિન્દ્રાએ જણાવ્યુ હતુ કે કનૈયાલાલ મુનશી દ્વારા અગમબુદ્ધિ વાપરી વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ લાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધાર્મિક, સાંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોને જોડીને વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી છે. જિલ્લામાં વન આરક્ષણ વધારવા માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા પડશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યુ હતુ કે મનુષ્યની માનસિક સ્થિતિની અસર પ્રકૃતિ પર પડે છે. સમય જતા પ્રકૃતિ પ્રત્યેની લોકોની લોભ અને શોષણ વૃત્તિને કારણે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને કારણે કુદરતે પોતાના રોદ્ર સ્વરૂપ દેખાડવા લાગી છે. આથી આપણે સૌએ વૃક્ષ ઉછેરવા જોઈએ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વૃક્ષ રથને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે માતૃવન નિર્માણનું ઉદઘાટન કરી ૫૦૦ વૃક્ષોનું વૃક્ષરોપણ કરવામાં આવ્યુ હતુ.ગ્રીન એમ્બેસીડર દ્વારા વૃક્ષોને રાખડી બાંધી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભૂમિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી પાર્થ પરમાર,આરોગ્ય સમિતીના ચેરમેનશ્રી અનસુયાબેન ગામેતી,તાલુકા પંચાયત સદસ્યશ્રી હિતેશકુમાર પટેલ,નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર,નાયબ વન સંરક્ષકશ્રી એસ. ડી પટેલ,પ્રાંત અધિકારીશ્રી પાર્થ ગોસ્વામી,અગ્રણી કનુભાઈ પટેલ,અગ્રણીશ્રી વિજયભાઇ પંડ્યા,વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




