BANASKANTHADEODARGUJARAT

વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે

*વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે*

પ્રતિનિધિ. દિયોદર  કલ્પેશ બારોટ

આગામી ૭૭મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં થનાર છે. આ ગરિમાપૂર્ણ મહોત્સવના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી, થરાદ ખાતે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી અનિલ શર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

 

આ બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી અનિલ શર્માએ આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીને યાદગાર બનાવવા માટે જિલ્લાના તમામ વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને રાજ્યપાલશ્રીના મુખ્ય આતિથ્યમાં યોજાનારા ‘એટ હોમ’ કાર્યક્રમની વ્યવસ્થા, પ્રોટોકોલ અને સુરક્ષા બાબતે ઝીણવટભરી સૂચનાઓ આપી હતી.

 

આ પ્રસંગે અગ્ર સચિવશ્રીએ જણાવ્યું હતું કે, નવનિર્મિત જિલ્લામાં આ પ્રથમ રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોઈ, તે અત્યંત ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ઉજવાય તે અનિવાર્ય છે. બેઠકમાં ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બેઠક વ્યવસ્થા અને સ્વચ્છતા અંગે પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રને સંકલનમાં રહીને કામ કરવા અને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી તુષાર જાની દ્વારા કરાયું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી સહિત જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ હતા.

Back to top button
error: Content is protected !!