GUJARATMEHSANAVISNAGAR

વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ૭મો પદવીદાન સમારોહ યોજાયો જેમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા ૧૮૦૪ વિદ્યાર્થિઓને હતા.

શિક્ષણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન જોનાર સાંકળચંદ પટેલે શિક્ષણનું જે બીજ રોપ્યું હતું તે આજે યુનિવર્સિટી રૂપી વટવૃક્ષ બની ગયું છે,

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વિસનગર

આજરોજ વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ૭મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા ૧૮૦૪ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૩૩ સુવર્ણચંદ્રક પણ એનાયત કરાયા હતા.

આ પદવીદાન સમારોહના અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન જોનાર સાંકળચંદ પટેલે શિક્ષણનું જે બીજ રોપ્યું હતું તે આજે યુનિવર્સિટી રૂપી વટવૃક્ષ બની ગયું છે, જે શિક્ષણ જગતમાં અનેરૂ સ્થાન ધરાવે છે. અહીંથી અનેક વિદ્યાર્થીઓએ પદવી મેળવી ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષિતથી દીક્ષિત થવાના અને કરિયર બનાવવાના આ પ્રયાણ પડકાર જનક રહેશે પણ તમે કરેલી અથાગ મહેનત આ પ્રયાણને વધુ સફળતાપૂર્વક સાકાર કરવામાં મદદરૂપ થશે. સફળતાની તકો હંમેશા મહેનતમાં છુપાયેલી હોય છે, એટલા માટે મહેનત કરવી જરૂરી છે તેમજ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. કારણકે અભ્યાસમાં અથાગ પરિશ્રમ કરીને આજે પદવી પ્રાપ્ત કરી છે. આજથી તેમની જિંદગીના નવા પડાવની શરૂઆત થવાની છે. આગામી સમયમાં પણ અભ્યાસમાં જેવી રીતે મહેનત કરી તેવી જ રીતે કરિયરમાં પણ મહેનત કરી રાજ્ય અને દેશનું ગૌરવ વધારવા જણાવ્યું હતું.

વધુમાં તેમણે ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને કદમથી કદમ મિલાવી વડાપ્રધાનશ્રીના ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પને પરીપૂર્ણ કરવા માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વેલસ્પન ગ્રુપના ગ્રુપ પ્રેસિડેન્ટ ચિંતનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે આજનો દિવસ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. વિકસિત ભારત 2047 બનાવવા માટે આપ સૌનો એક મહત્વપૂર્ણ રોલ છે આવનાર સમયે ખૂબ તકોથી ભરેલો છે. આ તકોનો લાભ લઈ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ જણાવ્યું હતું કે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ ખૂબ જ ટૂંકા ગાળામાં વિશાળ વટ વૃક્ષ બન્યું છે. આ યુનિવર્સિટીમાં 14 અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે. નુતન મેડિકલ હોસ્પિટલને આધુનિક મશીનોથી સજજ છે, જે આરોગ્યની સારી સુવિધા આપી રહી છે. સમગ્ર ગુજરાતમાં વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી.એમ. ઉદાણીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની કાર્યશૈલી વિશે વિગતવાર જાણકારી આપી હતી.

આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, IMA ના ડૉ. અનિલ નાયક, અગ્રણીશ્રી દુષ્યંતભાઈ પટેલ, યુનિવર્સિટીના ડીન, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!