MORBI:મોરબી-રાજકોટ પરથી કતલ માટે લઈ જવાતા ૨૬ જીવોને ગૌરક્ષકોએ બચાવ્યા.

MORBI:મોરબી-રાજકોટ પરથી કતલ માટે લઈ જવાતા ૨૬ જીવોને ગૌરક્ષકોએ બચાવ્યા.
મોરબી-રાજકોટ માર્ગ ઉપરથી કતલ માટે લઈ જવાતા ૨૬ જીવોને ગૌરક્ષકોએ પોલીસની મદદથી બચાવ્યા છે. કચ્છથી ભરાયેલ ટ્રક માળીયા મારફતે મોરબી આવી રહ્યો હતો ત્યારે ભરતનગર ગામ પાસે વોચ દરમિયાન ટ્રકને રોકી તપાસ કરતા ભેંસ વર્ગના જીવોને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળ્યા હતા. ટ્રકચાલક સહિત બે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
મોરબીમાં તા. ૨૫ ઑક્ટોબર ૨૦૨૫ શનિવારના રોજ વહેલી સવારે અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત), વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની તેમજ ગૌરક્ષા કચ્છ-મોરબીના કાર્યકરોને ખાનગીરાહે માહિતી મળી હતી કે, જીજે-૧૩-એએક્સ-૬૮૯૧ નંબરનો ટ્રક કચ્છમાંથી માળીયા માર્ગે મોરબી-રાજકોટ તરફ ૨૬ જેટલા ભેંસ વર્ગના પાડા જીવોને કતલખાને લઈ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે ગૌરક્ષકોએ મોરબી હાઇવે પર ભરતનગર ગામ નજીક વોચ ગોઠવી હતી. સવારે ટ્રક આવતા જ પોલીસે તથા ગૌરક્ષક ટીમે સંયુક્ત રીતે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ટ્રકમાંથી ૨૬ ભેંસ વર્ગના જીવો મળી આવ્યા હતા, જેમને ક્રૂરતાપૂર્વક હલી-ચલી પણ ન શકે તેમ બાંધી દેવામાં આવ્યા હતા. ટ્રક ચાલક સહિત પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે આ તમામ જીવોને કચ્છમાંથી ભરીને રાજકોટ શહેરમાં હાજી નામના વ્યક્તિના કતલખાને પહોંચાડવાના હતા. પોલીસે અને ગૌરક્ષકોએ સ્થળ પર જ આ જીવોને મુક્ત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે ખસેડ્યા હતા. બાદમાં તમામ જીવોને મોરબી પાંજરાપોળમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ટ્રક ડ્રાઇવર અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રાણી ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. આ સફળ ઓપરેશનમાં મોરબી તાલુકા પોલીસ ટીમ તેમજ કચ્છ, વિરમગામ, લીંબડી, ચોટીલા અને રાજકોટના ગૌરક્ષક કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો હતો.







