Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના ઓપરેટરશ્રી જિતેન્દ્રભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો
તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
માહિતી ખાતું એ સરકાર અને જનતા વચ્ચે સેતુ સમાન છે
ખરી દાનત અને સારી ભાવનાથી કરેલા કાર્યની નોંધ ઈશ્વર ચોક્કસપણે લેતો હોય છે
મંત્રીશ્રીએ ભેટ અને ભાતીગળ શાલ આપીને નિવૃત્ત જીવનની શુભકામના પાઠવી : સાથી કર્મીઓએ સંસ્મરણો વાગોળ્યા
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઈ મોડાસીયા, નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિ
Rajkot: રાજકોટ શહેરમાં આજી ડેમ ખાતે ગુજરાત સરકારના જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણીની વિશેષ ઉપસ્થિતિ અને સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઈ મોડાસીયાની અધ્યક્ષતામાં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના ઓપરેટરશ્રી જિતેન્દ્રભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો હતો. શ્રી જિતેન્દ્રભાઈએ માહિતી ખાતાંમાં ૩૪ વર્ષ ઓપરેટર તરીકે ફોટોગ્રાફીની ફરજ સુપેરે નિભાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ શ્રી જિતેન્દ્રભાઈને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે કોઈ સભ્ય પરિવારમાંથી અલગ પડે ત્યારે મનમાં રંજ રહેતો હોય છે, પણ એ જ સભ્ય જ્યારે નિવૃત્ત જીવન સરસ રીતે જીવે, ત્યારે હર્ષ અનુભવાતો હોય છે. શ્રી જિતેન્દ્રભાઈ ભલે વયનિવૃત્ત થઈ રહ્યા હોય, પણ તેમના અનુભવોનો લાભ, માર્ગદર્શન અને મદદ ભવિષ્યમાં પણ માહિતી ખાતાને મળતા રહે, તેવી લાગણી વ્યક્ત કરું છું. રાજકોટ સાથે જૂનો નાતો છે. અહીં ભૂતકાળમાં વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ નિભાવી હતી, તેમ કહી મંત્રીશ્રીએ રાજકોટ સાથેના સ્મરણો વિશે વાત કરી હતી. મંત્રીશ્રીએ રાજકોટ માહિતી કચેરીની કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે કચેરીની ટીમ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત હોય, લોકાર્પણ હોય કે અન્ય સરકારી કાર્યક્રમો હોય, ત્યાં નિયમિતપણે સમયસર પહોંચી જતી હોય છે.
માહિતી ખાતું એ સરકાર અને જનતા વચ્ચે સેતુ સમાન છે. રાજ્ય સરકાર પ્રજા માટે શું કરી રહી છે, કઈ નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેવી અનેક બાબતોને જનતા સુધી પહોંચાડવા માટે માહિતી ખાતું સૌથી મહત્વનું માધ્યમ છે. માહિતી ખાતું જરૂર પડે ત્યારે જનતાની સમસ્યાઓને સરકારના ધ્યાન પર લાવવાનું કામ પણ કરે છે. એક રીતે કહીએ તો, સમાચારોના વાહક તરીકે માહિતી ખાતું અવિરત કાર્ય કરે છે. રાજ્ય સરકારમાં રહીને જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે, ત્યારે પ્રાથમિકતા એ છે કે સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે, જે કાર્ય માહિતી ખાતું સુપેરે કરી આપે છે. કોઈનું કર્મ ક્યારેય એળે જતું નથી. ખરી દાનત અને સારી ભાવનાથી કરેલા કાર્યની નોંધ ઈશ્વર ચોક્કસપણે લેતો હોય છે. ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સરકારી યોજનાની જાણકારી પહોંચાડીને, તેના આશીર્વાદ મેળવવામાં માહિતી ખાતું ખરા અર્થમાં નિમિત્ત બને છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી જિતેન્દ્રભાઈની ફોટોગ્રાફીની કુશળતાને બિરદાવી નિરામય જીવનની શુભેચ્છા આપી હતી. રીજીયોનલ ડાયરેક્ટરશ્રી મિતેશભાઈ મોડાસીયાએ શ્રી જિતેન્દ્રભાઈને સરળ સ્વભાવના અને મિતભાષી ગણાવીને તેમની પ્રામાણિકતા અને સકારાત્મકતાને બિરદાવી હતી. નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ શ્રી જિતેન્દ્રભાઈ સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર કચેરીના અનુભવોને વાગોળીને તેમની ફરજ પર હાજર રહેવાની તત્પરતાને વખાણી હતી. તેમજ અગ્રણીશ્રી ભાવેશભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ તકે મંત્રીશ્રી સહિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરાયું હતું. મંત્રીશ્રીએ શ્રી જિતેન્દ્રભાઈને જસદણ-વીંછિયાના પંથકનું પ્રખ્યાત આરતીનું મશીન ભેટ આપી અને ભાતીગળ શાલ ઓઢાડીને વિદાયમાન આપ્યું હતું. કાંતા સ્ત્રી વિકાસ ગૃહના આચાર્યશ્રી જયશ્રીબેન વોરાએ શ્રી જિતેન્દ્રભાઈની લાક્ષણિકતાઓ દર્શાવતી સ્વરચિત કવિતા રજૂ કરી હતી. શ્રી જીતુભાઈના સાથી મિત્રોએ તેને ભેટસોગાદો આપી હતી. મહત્વનું છે કે શ્રી જિતેન્દ્રભાઈએ નારણ સંસ્થા, બોલબાલા ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટને આર્થિક દાન આપ્યું હતું. સંયુક્ત માહિતી નિયામકશ્રીએ વિદાય સમારંભમાં પધારવા બદલ મંત્રીશ્રીનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે શ્રી જીતુભાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં કાર્યકાળ દરમિયાનના અનુભવો યાદ કરીને સૌનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓપરેટરશ્રી કેતનભાઈ દવેએ કર્યું હતું.
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાથી કર્મીઓએ સંસ્મરણો વાગોળ્યા હતાં. આ કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રી જીતુભાઈ સાથેના પ્રસંગો યાદ કરીને નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમને સ્ટાફ વતી શુકન તરીકે શ્રીફળ-પળો તથા ભેટ આપી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી જિતેન્દ્રભાઈની વર્ષ ૧૯૯૧માં માહિતી ખાતાં અંતર્ગત કચ્છ જિલ્લામાં નિમણુંક થઈ હતી. ત્યારબાદ જામનગર, બનાસકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બદલી થયા બાદ છેલ્લે તેઓ રાજકોટ જિલ્લામાં કાર્યરત હતાં. આ વેળાએ અગ્રણીશ્રી મનસુખભાઈ જાદવ, કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત અમરેલી, જામનગર, મોરબી સહિતના જિલ્લાઓમાંથી આવેલા સાથી કર્મચારીઓ, નિવૃત અધિકારીઓ સહિત શ્રી જિતેન્દ્રભાઈના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.