શહેરાના પાનમ ડેમનો દરવાજો ખૂલતાં એલર્ટ જાહેર કરાયું નીચાણવાળા ગામો માટે સાવચેતી રાખવા સૂચના

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસતા વરસાદને પગલે શહેરા તાલુકાના પાનમ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે. ડેમના રૂલ લેવલને જાળવી રાખવા માટે તેનું એક દરવાજું 0.3 મીટર જેટલું ખોલવામાં આવ્યું છે. પરિણામે, શહેરા અને મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા નાગરિકોને એલર્ટ રહેવા તંત્રએ સૂચના આપી છે.
હાલ પાનમ ડેમનું જળસ્તર 125.4 મીટર નોંધાયું છે, જ્યારે ડેમનું FRL 127.41 મીટર છે. ડેમમાં કુલ 4449.223 ઘન મીટર પાણીનો જથ્થો છે, જેમાં 3850 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 1975 ક્યુસેક નીકળતું રાખવામાં આવ્યું છે.
શહેરા તાલુકાના રમજીના નાળ, કોઠા, ઉંડારા, મોર અને બલુજીના મુવાડા સહિતના ગામો તેમજ લુણાવાડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે.
ગઈ કાલથી જ જિલ્લાના હાલોલ, શહેરા, કાલોલ, ગોધરા અને ઘોઘંબા સહિતના વિસ્તારોમાં જમાવટવાળો વરસાદ નોંધાયો છે. સ્થાનિક તંત્રએ નાગરિકોને નદી કાંઠે ન જવા ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.





