વણસોલ સતાવીસ પાટીદાર સમાજના અગ્રણી ભીખુભાઈ પટેલનો ‘અમૃતપર્વ’ અભિવાદન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો*

વણસોલ સતાવીસ પાટીદાર સમાજના અગ્રણી ભીખુભાઈ પટેલનો ‘અમૃતપર્વ’ અભિવાદન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો*
તાહિર મેમણ – આણંદ – 31/12/2025 – આણંદ – વણસોલ સતાવીસ પાટીદાર સમાજ દ્વારા સમાજના અગ્રણી અને સેવાભાવી વ્યક્તિત્વ શ્રી ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલના ૭૫મા જન્મવર્ષ નિમિત્તે ‘અમૃતપર્વ અભિવાદન સમારોહ’નું ભવ્ય આયોજન ભાલેજ ખાતે આવેલા સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. 30 ડીસેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના ભાવભર્યા આવકાર અને દીપ પ્રજ્જવલન દ્વારા કરવામાં આવી હતી. પ્રભુ પ્રાર્થના બાદ શ્રી મનીષભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી શ્રી ભીખુભાઈના જીવન અને કવનનો ટૂંકો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રી ગણેશદાસજી મહારાજ, મનીષભાઈ પટેલ, ફુલાભાઈ પટેલ, સી. ઝેડ. પટેલ, ભીખુભાઈ નારણભાઈ પટેલ, શ્રી ઠાકોરભાઈ પટેલ, શ્રી કિરણભાઈ પટેલ અને શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમારોહમાં ભીખુભાઈ પટેલના જીવનની સંઘર્ષગાથા અને સમાજલક્ષી કાર્યોને દર્શાવતી એક વિશેષ વીડિયો ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો શ્રી સી. ઝેડ. પટેલ, શ્રી ઠાકોરભાઈ પટેલ અને શ્રી ભીખુભાઈ નારણભાઈ પટેલે પ્રાસંગિક પ્રતિભાવ આપી શ્રી ભીખુભાઈના સમાજ પ્રત્યેના સમર્પણને બિરદાવ્યું હતું. વિદેશમાં વસતા સ્નેહીજનોએ પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શ્રી ભીખુભાઈ પટેલના ભાઈ શ્રી કિરીટ ભાઈએ પોતાના પારિવારિક પ્રેમ અને નાનપણની યાદો વિશે જણાવ્યું હતું. શ્રી કલ્પેશભાઈ પટેલે સન્માનપત્રનું વાંચન કર્યું હતું અને સમાજના પ્રમુખ ભીખુભાઈનું ભાવભીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ. પૂ. સંતશ્રી ગણેશદાસજી મહારાજે આશીર્વચન પાઠવી શ્રી ભીખુભાઈને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં હર્ષોલ્લાસ સાથે કેક કટિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રી અશોકભાઈ પટેલનો વિશેષ સહયોગ રહ્યો હતો અને અંતે શ્રી અક્ષયભાઈ પટેલે આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.





