
ડેડીયાપાડા ચૈતર વસાવાને વિધાનસભા માં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર
તાહિર મેમણ – ડેડીયાપાડા – 02/08/2025 – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા બે મહિનાથી વધુ જેલવાસ ભોગવી રહેલા વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે.
3 દિવસ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહી શકશે ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોર જે. તડવીએ જણાવ્યું કે, કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 8, 9, અને 10 સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહી શકશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે. ત્યારબાદ, 10 સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. આ જામીન મંજૂર થતા ધારાસભ્ય ચૈતર વસાવા આશરે બે મહિના બાદબાદ જેલમાંથી બહાર આવશે અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે.
ચૈતર વસાવાની ધરપકડનું કારણ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના છે. આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજપીપળા કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે હજુ પેન્ડિંગ છે.



