-
ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામે ફોર વ્હિલ ગાડી ખાડામાં પડી પલ્ટી મારતા ચાલકનું મોત
બોરજાઇ ખાતે બેસણામાં આવેલ વડોદરાનો યુવક ટેકરી પર પાર્ક કરેલ ગાડી નીચે ઉતારતો હતો ત્યારે કરૂણ ઘટના સર્જાઇ
ઝઘડિયા તા.૨૦ મે ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામે એક ફોર વ્હિલ ગાડી ખાડામાં પડી પલ્ટી મારી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ચાલકનું મોત થયું હતું. આ અંગે ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાંથી મળતી વિગતો મુજબ વડોદરાના અકોટા ખાતે રહેતો રોહનભાઇ ડોડીયા નામનો યુવક તા.૧૮ મીના રોજ પરિવાર સાથે ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામે એક સંબંધી મહિલાના બેસણાની વિધિમાં આવ્યો હતો. આ લોકો દિવસ દરમિયાન બેસણાની વિધિમાં રોકાયા હતા,રાતના નવેક વાગ્યાના અરસામાં રોહન બોરજાઇ ખાતે રહેતા તેના કૌટુંબિક ભાઇ વિપુલ વિજયભાઇ વસાવા સાથે ફોર વ્હિલ ગાડીમાં ગામની ભાગોળે આવેલ મંદિર નજીક બેસવા ગયો હતા,આ દરમિયાન રોહને તેની ફોર વ્હિલ ગાડી મંદિર નજીકની ટેકરી ઉપર પાર્ક કરી હતી. થોડીવાર ત્યાં બેઠા પછી પાછા ફરવાનો સમય થતાં રોહન ટેકરી પર પાર્ક કરેલ ગાડીમાં બેસીને નીચે ઉતારતો હતો તે દરમિયાન તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ટેકરી પરથી દસેક ફુટ નીચે ખાડામાં પલ્ટી મારી ગઇ હતી. આ ઘટનામાં રોહન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બેભાન થઇ ગયો હતો, તેને એમ્બ્યુલન્સમાં વાલિયા સરકારી દવાખાને લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે રોહનને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો.૨૭ વર્ષીય યુવક રોહનનું આ કરૂણ ઘટનામાં મોત નીપજતા પરિવાર શોકાતુર બની ગયું હતું. ઘટના સંદર્ભે વિપુલ વિજયભાઇ વસાવા રહે.બોરજાઇ તા.ઝઘડિયાનાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી