BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના ત્રણ લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા: બે લોકોની રાત્રે અને એકની આજે સવારે દફનવિધિ કરાઇ, પરિવારમાં શોકનો માહોલ

સમીર પટેલ, ભરૂચ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચના સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ મોડી રાત્રે વતન ભરૂચ ખાતે લાવવામાં આવતા ગમગીની ભર્યો માહોલ સર્જાયો અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે વિમાન ધડાકા સાથે તૂટી પડવાની સાથે અનેક લોકો જીવતા સળગી જતાં મોતને ભેટ્યા હતા. જેથી સરકાર દ્વારા પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામા આવી રહ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના બાયપાસ નજીક આવેલી અલમીના પાર્કમાં રહેતા સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઈસ્માઈલ પટેલ અને જંબુસરના સારોદ ગામમાં રહેતા સાહિલ સલીમભાઈ પટેલ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેના પરિવારજનો પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમને 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો તે પ્રમાણે રવિવારે તેમના ડીએનએ મેચ થઈ જતાં ત્યાંથી ત્રણેય પરિવારોને કોલ આવ્યો હોય તેઓ પોતાના સ્વજનોના મૃતદેહ લેવા અમદાવાદ પહોંચી ગયા હતાં. ત્રણેયના મૃતદેહ વહીવટી તંત્રની રાહબરી હેઠળ ભરૂચ લાવીને તેમના નિવાસ સ્થાન સુધી પહોંચાડવામા આવ્યા હતા.

જંબુસરના સરોદ ગામના સાહિલ પટેલનો મૃતદેહ મોડી રાત્રિના ગામમાં આવતા તેની માતા અને બહેનના રુદનથી ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સાહિલની રાત્રિના જ ગામના કબ્રસ્તાનમાં દફન વિધિ કરાઈ હતી. જ્યારે ભરૂચના અલમીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટી તંત્રની મદદથી તેમના નિવાસ સ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામથી, પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા. જોકે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુશેન ઈસ્માઈલ પટેલના મૃતદેહ તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈને સવારે ગામનાં કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!