શરીર સાથ નથી આપતું પણ સુર સાથ આપે છે: ડેસરના 80% દિવ્યાંગ યુવાને ગરીબી અને લાચારીને મ્હાત આપી પોતાનું ગીત રિલીઝ કર્યું

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
કહેવાય છે કે કલા કોઈ પરિસ્થિતિની મોહતાજ નથી હોતી. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગોપરી ગામના એક યુવાને આ વાતને સાર્થક કરી બતાવી છે. 80 ટકા શારીરિક વિકલાંગતા રહેવા માટે પાકું મકાન નહીં અને પિતા હોટલમાં મજૂરી કરતા હોય તેવી અત્યંત કપરી પરિસ્થિતિ વચ્ચે પણ દિવ્યાંગ પરમાર નામના યુવાને પોતાની કલમ અને અવાજને જીવંત રાખ્યા છે. દિવ્યાંગે પોતે લખેલું અને ગાયેલું નવું પ્રેમગીત ‘મારા દિલમાં રહેજો’ હાલમાં તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે.
દિવ્યાંગ પરમાર જન્મથી જ 80 ટકા વિકલાંગતા ધરાવે છે. તેના હાથ અને પગ બિલકુલ કામ કરતા નથી જેના કારણે તે હલનચલન માટે પણ અન્ય પર નિર્ભર છે. ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઈની આવી સ્થિતિ જોઈ પરિવાર હંમેશા ચિંતિત રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ પણ પાયમાલ છે. પિતા વડોદરાની એક હોટલમાં સામાન્ય નોકરી કરીને માંડ ગુજરાન ચલાવે છે. રહેવા માટે પોતાનું કહી શકાય તેવું સારું ઘર પણ નથી, તેમ છતાં દિવ્યાંગની અંદર રહેલા કલાકારે હિંમત હારી નથી.
દિવ્યાંગ પરમારને તેના સંગીતના સપનામાં જાણીતા કવિ અને શિક્ષક ડૉ મહેન્દ્ર પરમાર સહિત ગીતકાર કિરણકુમાર સિથોલ અને પ્રખ્યાત સંગીતકાર હરિ ભરવાડનો સહયોગ સાંપડ્યો છે. દિવ્યાંગે પોતે મર્યાદિત સુવિધાઓ વચ્ચે ગીત રેકોર્ડ કરાવીને યુટ્યુબ ચેનલ ‘Divyangparmarofficial’ પર અપલોડ કર્યું છે. આ ગીત માત્ર એક પ્રેમગીત નથી, પણ એક દિવ્યાંગ કલાકારનો દુનિયાને આપતો સંદેશ છે કે જો મન મક્કમ હોય તો શરીરની મર્યાદાઓ આડે આવતી નથી.
દિવ્યાંગ પરમાર જેવા પ્રતિભાશાળી યુવાનો જ્યારે આવી વિપરીત સ્થિતિમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને માત્ર સહાનુભૂતિની નહીં પણ પ્રોત્સાહનની જરૂર હોય છે. ગોપરી ગામનો આ યુવાન આજે ડિજિટલ યુગના માધ્યમથી પોતાની ઓળખ ઊભી કરવા મથામણ કરી રહ્યો છે. તેની આ સંઘર્ષગાથા એવા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ નાની મુશ્કેલીઓમાં હિંમત હારી જતા હોય છે.





