
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સેગવા ગામના એક યુવક નર્મદા કેનાલમાં પડી ગયા હોવાની માહિતી મળતા શિનોર પોલીસ તેમજ કરજણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે પ્રયત્નો છતાં ગતરોજ યુવકનો મૃતદેહ મળી આવ્યો ન હતો.
આજે તા. 27-02-2026ના રોજ કુકસ નજીક નર્મદા નિગમની કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેગવા ગામના રહેવાસી દિલીપભાઈ ઉર્ફે દિનેશભાઈ ચંદુભાઈ પરમાર (ઉ.વ. 41) સેગવા નજીક નર્મદા કેનાલમાં પડી જતા ગુમ થયા હતા. તેઓ કોઈ કામધંધો કરતા ન હતા અને પત્ની પાસે પૈસાની માંગણી કરતા હતા. કામ બાબતે પત્નીએ ઠપકો આપતા પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો.
ઝગડા બાદ દિલીપભાઈ ઘરેથી નીકળી સેગવા ગામ નજીક ની નર્મદા કેનાલ તરફ ગયા હતા. આ દરમિયાન કેનાલના પાણીમાં પડી જતા તેઓ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે શિનોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કરજણ ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ગતરોજ સુધી સફળતા મળી નહોતી. આજે કુકસ નજીક કેનાલમાં મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



