શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પર તંત્રનું બુલડોઝર ફર્યું
વાઘજીપુર ચોકડીથી મરડેશ્વર મંદિર સુધીના 60 જેટલા દબાણોનો સફાયો

પ્રતિનિધિ શહેરા 
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં હાલોલ-શામળાજી હાઈવે પર લાંબા સમયથી અવરજવરમાં અડચણરૂપ બનતા બિનઅધિકૃત દબાણો સામે તંત્રએ લાલઆંખ કરી કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી. જી.એસ.આર.ડી.સી. દ્વારા અગાઉ ૨૦૦થી વધુ નાના-મોટા દબાણકર્તાઓને અપાયેલી નોટિસની મુદત પૂર્ણ થતા વાઘજીપુર ચોકડીથી લઈને મરડેશ્વર મહાદેવ મંદિર અને માર્કેટિંગ યાર્ડ સુધીના હાઈવેની બંને બાજુએ ખડકાયેલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન દુકાનદારો દ્વારા રસ્તા પર બનાવાયેલા પાકા ઓટલા, પતરાના શેડ અને અન્ય ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવતા હાઈવે માર્ગ મોકળો બન્યો હતો.
આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, જી.એસ.આર.ડી.સી.ના નાયબ કાર્યપાલક ઇજનેર, નગરપાલિકાના ચીફ ઓફિસર, અને તેમની ટીમ સહિત કલ્યાણ કંપનીના મેનેજર રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરા પોલીસ મથકના પી.આઈ. અંકુરભાઈ ચૌધરી સહિત પોલીસ જવાનો અને હોમગાર્ડના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 60 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાઈવે પર દિન-પ્રતિદિન વધતા દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી અને પાણીના નિકાલની વ્યવસ્થા પણ અવરોધાતી હતી. જે સંદર્ભે જી.એસ.આર.ડી.સી. દ્વારા અગાઉ માપણી કરીને નિશાન કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક વેપારીઓએ નોટિસ બાદ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા હતા. પરંતુ બાકી રહેલા તમામ દબાણોને તંત્રએ પોલીસ પ્રોટેક્શન સાથે દૂર કરીને હાઈવેને દબાણમુક્ત કર્યો હતો.






