
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના દાવાઓ વચ્ચે ડાંગ જિલ્લાના વિહિરઆંબા ગામની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.ડાંગ જિલ્લાના વિહિરઆંબા ગામમાં આવેલો મુખ્ય કોઝવે આજે એટલી હદે બિસ્માર હાલતમાં છે કે તેને જોતા લાગે છે કે જાણે કોઈ ચંદ્ર પરનો ઊબડખાબડ રસ્તો હોય.વર્ષોથી મરામતના અભાવે આ કોઝવે હવે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની ગયો છે.વિકાસના રથની ગતિ અહીં આવીને અટકી ગઈ હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે.આ કોઝવે પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, સ્લેબ તૂટી ચૂક્યા છે અને અંદર વપરાયેલું લોખંડ પણ હવે બહાર દેખાવા લાગ્યું છે. નીચેથી ધસમસતું પાણી વહેતું હોય અને ઉપરથી તૂટેલા રસ્તા પરથી પસાર થવું એ કોઈ સાહસિક ખેલથી ઓછું નથી.આ દ્રશ્ય કોઈ દુર્ગમ જંગલના અવાવરું રસ્તાનું નથી, પરંતુ ગ્રામજનોના રોજિંદા અવરજવરના મુખ્ય માર્ગનું છે.સૌથી વધુ ચિંતાજનક અને હૃદયદ્રાવક બાબત એ છે કે આ જ જોખમી કોઝવે પરથી ગામના નાનાં ભૂલકાઓ દરરોજ આંગણવાડી અને શાળાએ જવા માટે મજબૂર છે.વાલીઓને હંમેશા ફાળ ફાળે રહે છે કે ક્યાંક તેમનું બાળક આ તૂટેલા કોઝવેનો શિકાર ન બને.વરસાદી મોસમમાં જ્યારે નદીના પાણીનું સ્તર વધે છે, ત્યારે આ કોઝવે જીવલેણ બની જાય છે. લપસણી સપાટી અને ઊંડા ખાડાઓને કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. ગ્રામજનો પૂછી રહ્યા છે કે:”શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? શું બાળકોના જીવની કોઈ કિંમત નથી?”અત્યાર સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર મરામત કે નવીનીકરણના કોઈ જ ઠોસ પગલાં લેવાયા નથી.જો સમય રહેતા આ કોઝવેનું નવીનીકરણ કરવામાં નહીં આવે, તો “વિકાસ” શબ્દ માત્ર સરકારી કાગળો પર જ સીમિત રહી જશે. ગ્રામજનોની માગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતની ગંભીરતા સમજે અને ચોમાસું વિતે તે પહેલાં અથવા તાત્કાલિક ધોરણે પાકો અને સુરક્ષિત પુલ કે કોઝવે બનાવવાની કામગીરી શરૂ કરે.હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે કે પછી વિહિરઆંબાના રહીશોએ હજુ પણ જીવના જોખમે મુસાફરી કરવી પડશે..





