Rajkot: જી.એસ.ટી. “બચતોત્સવ”નો સાચો લાભ લોકોને આપવા મુખ્યમંત્રીશ્રીના આહવાનને રાજકોટના વેપારી-ઉદ્યોગ સંગઠનોએ ઝીલી લીધું
તા.૨૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જી.એસ.ટી. ઘટાડો દેશના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ પગલું, તમામ ક્ષેત્રોને ફાયદો થશે: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્ણવ
Rajkot: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મંત્રીગણ સાથે રાજ્યના વિવિધ વેપારી સંગઠનો અને ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન્સ સાથે જી.એસ.ટી. ઘટાડા, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. જેમાં રાજકોટથી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ, માનદ મંત્રી શ્રી નૌતમ બારસીયા સહિતના હોદ્દેદારો તથા વેપારીઓ જોડાયા હતા. ઉપરાંત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ૧૦૮ સંગઠનોના અગ્રણીઓ પણ આ સંવાદમાં ઓનલાઇન સહભાગી થયા હતા.
આ સંવાદમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જી.એસ.ટી. ઘટાડાનો ફાયદો લોકોને મળે અને નાગરિકો “બચતોત્સવ”નો સાચો લાભ લઈ શકે તે માટે કરેલા આહવાનને રાજકોટના વેપારી-ઉદ્યોગ સંગઠનોએ ઝીલી લીધું હતું.
આ તકે રાજકોટના વેપારી અને ઉદ્યોગ સંગઠનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા જી.એસ.ટી. સુધારણાને આવકાર્યો હતો અને તેનાથી દેશની વ્યવસ્થા વધુ વાઈબ્રન્ટ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દેશને આત્મનિર્ભર બનાવવા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલા “વોકલ ફોર લોકલ અભિયાન”થી સ્થાનિક કારીગરો અને વેપારીઓને વધુ સારી કમાણી થશે તેમજ લોકલ ઇકોનોમીમાં સુધારો થશે તેવી આશા પણ વેપારી સંગઠને વ્યક્ત કરી હતી.
“સ્વદેશી અભિયાન”થી વિવિધ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઅલ સેક્ટરને મોટો ફાયદો થશે તેમજ આ અભિયાન સ્થાનિક રોજગાર સાથે “આત્મનિર્ભર ભારત” માટે બૂસ્ટર ડોઝ સમાન બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જી.એસ.ટી.માં સુધારણા કરીને ચાર સ્લેબમાંથી બે સ્લેબ કર્યા છે, જેના કારણે દેશભરમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ સુધારણાથી આવનારા દિવસોમાં વેપારના વિવિધ ક્ષેત્રો, ફૂડ તથા ઉદ્યોગ ક્ષેત્રોને મોટો ફાયદો થશે. સર્વાંગી વિકાસ માટેનું આ ઉત્તમ પગલું કહી શકાય તેમ છે. આ સાથે તેમણે જી.એસ.ટી. ઘટાડાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગકારોને અપીલ કરી હતી. ઉપરાંત “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી” અપનાવવા અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી અપીલને રાજકોટના એમ.એસ.એમ.ઈ. અનુસરીને પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ તેમણે કરી હતી.