સહકારી બેંકો દ્વારા સ્વ સહાય જૂથોને ઝડપથી અને સરળતાથી લોન-ધિરાણ મળવા મુખ્યમંત્રીનો આગ્રહ: દર ત્રણ મહિનેએ સમીક્ષા બેઠક યોજવા પણ સૂચના

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના આત્મનિર્ભરતાના સપનાને સાકાર કરવા માટે સહકારી બેંકોને વધુથી વધુ સ્વ સહાય જૂથોને (સખી મંડળો) ઝડપથી અને સરળતાથી લોન-ધિરાણ આપવું જોઈએ.
ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યસ્તરીય સમીક્ષા બેઠકમાં નેશનલ રૂરલ લાઈવલિહૂડ મિશન (NRLM) અંતર્ગત ગ્રામીણ મહિલાઓના સ્વ સહાય જૂથોને લોન-સહાય આપવાના પ્રગતિપત્રકની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતી, તેમજ રાજ્યના નાણાં, સહકાર અને ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે. સીંઘલ, SLBCના કન્વિનર અશ્વિની કુમાર તથા સહકારી બેંકોના અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સ્વ સહાય જૂથોની બહેનો માત્ર પોતાના માટે નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે આર્થિક આધારરૂપ બને છે. તેથી આવી મહિલાઓને લોન આપવી એક પ્રકારનું સમાજના અર્થતંત્રમાં મૂડીરોકાણ કરવાની તક છે. તેમણે સહકારી બેંકોને એન.પી.એ.ના ભય વિના સહાય પૂરી પાડવા તથા દરેક અરજદાર સુધી સહાય પહોંચે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ લોન-સહાયની પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પુરી થાય તે માટે જિલ્લા સ્તરે કેમ્પ યોજવા, તેમાં આવતી અરજીઓની તાત્કાલિક સ્ક્રુટિની કરી યોગ્ય અરજદારોને તરત જ ધિરાણ અપાય તેવા દિશા-નિર્દેશો પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, આવી પ્રવૃત્તિઓ ગ્રામિણ સ્તરે મહીલા સશક્તિકરણના ઉદ્દેશને વધુ મજબૂતી આપે છે.
રાજ્યમાં હાલમાં કુલ 2.84 લાખ સ્વ સહાય જૂથ કાર્યરત છે, જેમાંથી ખેતિ સંબંધિત 1.76 લાખ, ઉત્પાદન અને વેપારથી જોડાયેલા 16,608 અને અન્ય રોજગાર સાથે સંકળાયેલા 6,973 જૂથોનો સમાવેશ થાય છે. 2025-26 માટેના લક્ષ્યાંક મુજબ રાજ્યમાં કુલ 88,200 જૂથોને રૂ. 1240 કરોડના ધિરાણ આપવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આલરે 13,000થી વધુ જૂથોને ધિરાણ આપી દેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરોને ખાસ આગ્રહ કર્યો કે, સ્વ સહાય જૂથોની બહેનોને લોન મેળવવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને નિયમોની સમજ અપાવવા માટે તાલીમ વર્કશોપ અને કેમ્પ પણ ક્લસ્ટર લેવલે યોજવામાં આવે.
તેમણે આ માટે રાજ્યના તમામ સંબંધિત વિભાગોને મળીને એક સચોટ એક્શન પ્લાન બનાવવાની પણ સૂચના આપી હતી, જેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી NRLMના ઉદ્દેશો ઝડપથી અને અસરકારક રીતે સાકાર થઈ શકે.
સમીક્ષા બેઠકના અંતે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યુ કે, આવનારા સમયમાં દર ત્રણ મહિને સહકારી બેંકો સાથે આવી સમીક્ષા બેઠક યોજવામાં આવશે જેથી લાભાર્થી બહેનો સુધી યોગ્ય સમયે સહાય પહોંચે અને તેમની સ્વાવલંબનની યાત્રા વધુ મજબૂત બને.
આ બેઠક એક નવી દિશામાં મહીલા વિકાસ અને ગ્રામિણ આર્થિક સશક્તિકરણ માટે મજબૂત પાયાનો નિર્માણકારક પગથિયું બની રહેશે.





