MORBI:મોરબી શહેર એ સમસ્યાનગરી કે શું? આ સ્થિતિ માટે કોણ જવાબદાર?

MORBI:મોરબી શહેર એ સમસ્યાનગરી કે શું? આ સ્થિતિ માટે કોણ જવાબદાર?
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેરમાં આ ચોમાસાં સિઝનનો અત્યાર સુધીમાં પાંચ ઇંચ વરસાદ માંડ પડ્યો છે ત્યાં જ મોરબી શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેનો કોઈ નિકાલ નથી અને સૂર્યપ્રકાશમાં બાષ્પીભવન થઈને જ આ પાણી સુકાય છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્રનું પેરીસ તરીકે ઓળખાતું મોરબી શહેર અત્યારે સમસ્યાનગરી કે ગંદકીનગર? જેવા નામ માં પરિવર્તન થઈ રહ્યું છે તો આવી પરિસ્થિતિ સર્જાવામાં કોણ જવાબદાર? એવો સવાલ ઉઠ્યા વગર રહેતો નથી. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં રાજાશાહી વખતમાં દસ વોંકળા હતા. આજે એક પણ વોંકળો જોવા મળતો નથી. બધા વોંકળા બુરી દીધા અને તેના ઉપર પાકા બાંધકામો થઈ ગયા છે. તેથી રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી ગયાં પછી મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જે પાણી પડતર થવાથી જેમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે અને બીમારીનું પ્રમાણ વધે છે. ત્યારે મોરબી નગરપાલિકા ને સૌથી વધુ ટેક્સ ચૂકવતા લાતી પ્લોટ માં તો હાલ સ્થિતિ દોજખ જેવી છે. એક પણ રોડ ચાલવા જેવો નથી. ગારો, ગંદકીનાં થર જામ્યા છે. મૂનનગર સહિત જ્યાં નીચાણ થઈ ગયું છે અને ચારે બાજુ બાંધકામો થઈ ગયા છે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે તેનો કોઈ નિકાલ નથી. સતત આ પ્રકારે બાંધકામોના અતિક્રમણ થઈ રહ્યા છે ત્યારે એકલદોકલ જાગૃત નાગરિક જાહેર હિત ખાતર તંત્રને રજૂઆત કરે છે પણ તંત્રની મિલી ભગતથી જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો પછી તપાસ કોણ કરે? આ સ્થિતિ માટે કોણ જવાબદાર? રાજકોટના ટીઆરપી ગેમઝોન ની આગ દુર્ઘટના પછી મોરબી વહીવટી તંત્રએ તેના ઉપરથી બોધપાઠ લીધો છે કે કેમ? જો લીધો હોય તો બહુમાળી ભવનમાં કેટલી તપાસ કરી? એક પણ નહીં કારણ કે એક આરટીઆઈ અરજી નાં જવાબ માં જણાવ્યા મુજબ કરેલી આરટીઆઈ ની અરજી માં કોઈ કોઈ રિપોર્ટ મળ્યો નથી. તો હવે આ મોરબી શહેરમાં પણ ગેમઝોન જેવી કોઈ માનવસર્જિત આફત આવે કે કુદરતી આફત આવે તો તેનાં માટે કોણ જવાબદાર?… મારે શું?તેવી માનસિકતા ધરાવતા લોકો કે પછી ભ્રષ્ટાચારી માનસ ધરાવતા રાજસેવકો અને નેતાઓ કે પછી બધાય તેવા સવાલ ઉઠ્યા છે.



