
રિપોર્ટ : બિમલ માંકડ | પ્રતિક જોશી
ભુજ: તાજેતરમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા વિધાનસભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૧૮ સરકારી બાબુઓને આરટીઆઈ કાયદાના ઉલંઘન બદલ દંડવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે. તેમાંથી એક કેસમાં ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવી ગયેલા પૂર્વ મામતદાર વિવેક એચ. બારહટને અરજદારને માહિતી અધિકાર અધિનિયમ કાયદા મુજબ યોગ્ય સમય મર્યાદામાં યોગ્ય પ્રત્યુત્તર ન પાઠવવા અને કાયદાને હળવાશથી લેવા બદલ રૂ ૪૦૦૦ નો દંડ ફટકારવામાં આવતાં જિલ્લાના કર્મીઓમાં સોંપો પડી ગયો છે.
ઉપરી અધિકારીઓના “અમુક ખાસ” હુકમોની તામિલ કરવા માટે કાયમ તત્પર રહેતા ભુજના તત્કાલિન મામલતદાર બારહટ તેમના કાર્યકાળ દરમ્યાન કોઈને કોઈ વિવાદમાં સંપડાયેલા રહેતા હતા. અન્ય એક કિસ્સામાં જિલ્લાના એક યુવા નેતાના ઇશારે બિન ખેડૂત વ્યક્તિને આહિરપટ્ટીની મોંઘેરી જમીન ઓદ્યોગિક હેતુમાં ફેરવવામાં પણ મામલતદારની ભૂંડી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. જેની સામે અરજદાર દ્વારા ટુંક સમયમાં સરકારી તિજોરીને કરોડોનું નુકશાન પહોંચાડનારાઓ વિરૂદ્ધ હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે અને તત્કાલિન મામલતદાર વિવેક બારહટ, પૂર્વ કલેટર પ્રવિણા ડી.કે. સહિતનાઓને આકરામાં આકરી સજા માટે માંગણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.



