વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં એક જાગૃત નાગરિક દ્વારા ૨૦૨૩-૨૪નાં વર્ષમાં માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ હેઠળ માહિતી માંગવામાં આવી હતી.જોકે બે તલાટીકમ મંત્રીઓ દ્વારા એક વર્ષ કરતા પણ વધુ સમય વીત્યા બાદ માહિતી આપવામાં આવી હતી.જે બાદ સમગ્ર મામલો ગાંધીનગર માહિતી આયોગમાં પહોંચ્યો અને આ બંને તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો.ત્યારે હાલમાં આ બંને તલાટીઓએ દંડ ભર્યો છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નડગખાદી ગામ ખાતે રહેતા બાપુભાઇ એસ. માહલા એ ગત તા.૧૯/૦૯/૨૦૨૩નાં રોજ અરજી કરી ૧.માધુરીબેન એસ. ઠાકરે, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ-તલાટી- કમ-મંત્રી, ગ્રુપ ગ્રામ પંચાયત સાકરપાતળ, તા. વઘઈ, જિ. ડાંગ) અને ૨.ધ્રુવેશભાઈ એસ. ચૌધરી, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ.તલાટી- કમ-મંત્રી, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલી) પાસે માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ હેઠળ કેટલીક માહિતી માંગી હતી. જોકે સમયસર માહિતી આપવામાં આવી નહોતી.જે બાદ આહવા તાલુકા વિકાસ અધિકારી પાસે આ અંગે અપીલ પણ કરવામાં આવી હતી,ત્યારે ૧૦ દિવસમાં માહિતી આપવા માટે હુકુમ કરવામાં આવ્યો હતો તેમ છતાં જાહેર માહિતી અધિકારી એવા તલાટી કમ મંત્રી દ્વારા કોઈ જવાબ કે માહિતી આપવામાં આવી નહોતી. જે બાદ આખરે કંટાળીને જાગૃત નાગરિક બાપુભાઈ માહલા એ ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ કરી હતી. ત્યારે આ અપીલની સુનાવણીમાં માહિતી આયોગ દ્વારા બંને પક્ષકારોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી હતી. તા.૧૯/૦૯/૨૦૨૩ ની નમૂનાની અરજી અન્વયે તેઓને તા. ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ એક વર્ષ વીતી ગયા બાદ ખૂબ જ વિલંબથી માહિતી પૂરી પાડેલ હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે અને તત્કાલીન જાહેર માહિતી અધિકારીઓ દ્વારા થયેલ આટલા અસહ્ય વિલંબ બાબતે સુનાવણીમાં ઉપસ્થિત જાહેર માહિતી અધિકારીએ તેમજ પ્રથમ અપીલ અધિકારી આયોગ સમક્ષ કોઇ સંતોષકારક ખુલાસો કરી શકેલ નહીં. સમગ્ર વિગત દેખીતી રીતે જ તત્કાલીન જાહેર માહિતી અધિકારીઓ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ની જોગવાઈઓનું ઉલ્લંઘન થયેલ હોવાનું જણાઈ આવતું હોઈ આયોગને તેઓ પાસેથી કોઈ ખુલાસો મંગાવવો ઉચિત જણાતો નથી, કારણ કે માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળની અરજદારની અરજી અન્વયે એક વર્ષથી પણ વધારાનો વિલંબ થયા બાબતે જો તેઓ કોઇ પણ ખુલાસો આયોગને મોકલે તે પણ આયોગને તે ગ્રાહ્ય નથી. જેથી આયોગે ૧.માધુરીબેન એસ. ઠાકરે, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ-તલાટી- કમ-મંત્રી, ગ્રુપ ગ્રામ પંચાયત સાકરપાતળ, તા. વઘઈ, જિ. ડાંગ)ને ૧૦ હજાર રૂપિયા તથા ૨.ધ્રુવેશભાઈ એસ. ચૌધરી, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ.તલાટી- કમ-મંત્રી, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલી) ને ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.ત્યારે બંને તલાટીઓ એ આયોગમાં દંડ ભર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં બે તલાટીકમ મંત્રીઓને આયોગ દ્વારા દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.