વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ કેટલાક શિક્ષક પ્રતિનિધિઓ પોતાની જાતને ‘રાજકીય આકા’ સમજીને મનસ્વી વહીવટ ચલાવી રહ્યા છે. તેવી હકીકત સામે આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. શિક્ષણ જગત માટે આ બાબત અત્યંત શરમજનક છે. વાંસદા તાલુકાના નવનિર્વાચિત પ્રમુખ અને ધાકમાળ પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ થોરાટ ચૂંટણી જીત્યાના ગણતરીના દિવસોમાં જ પોતાની ફરજ પ્રત્યેની ઉઘાડી બેજવાબદારી દર્શાવી છે. તેઓ શાળાના મુખ્ય શિક્ષકને કોઈ પણ પ્રકારનો રજાનો અહેવાલ કે યોગ્ય કારણ દર્શાવ્યા વિના ગેરહાજર રહેલા છે.મુખ્ય શિક્ષિકાના નિવેદન પરથી પણ સ્પષ્ટ થાય છે કે આ શિક્ષકે નિયમોનો સીધો ભંગ કર્યો છે અને બાળકોના શિક્ષણને રામ ભરોસે છોડી દેવાયું છે.ત્યારે સૌથી વધુ આક્રોશની બાબત એ છે કે, તાલુકાના શિક્ષકોની સેવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવાની કામગીરી કરવાને બદલે, આ શિક્ષક ‘તાલુકા સંઘના વ્હોટસએપ ગ્રુપ’માં સત્તાનો રોફ અને ફાકા ફોજદારી કરતા હોવાના સ્ક્રીનશોટ્સ વાંસદા તાલુકામાં વાયરલ થયા છે. શિક્ષકોને નીચા દેખાડવાની અને પોતાની મનમાની ચલાવવાની આવી માનસિકતા ધરાવનાર પ્રતિનિધિને આ પદ પર રહેવાનો નૈતિક અધિકાર નથી.જ્યારે સમગ્ર શિક્ષક આલમમાં આવા બેજવાબદાર પ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે ચૂંટાયાને માંડ બે-ત્રણ દિવસ થયા હોય અને શાળામાંથી ‘ગુલ્લી’ મારતા આ શિક્ષક માટે ઉચ્ચ અધિકારીઓ ડી.પી.ઈ.ઓ તાત્કાલિક અને કડક શિક્ષાત્મક પગલાં ક્યારે લેશે? શું આ પ્રતિનિધિ પોતાનો ‘માન મોભો’ મેળવવા માટે શિક્ષણનું બલિદાન આપશે? બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર આવા ગેરરીતિ આચરનારા સામે સત્વરે નિર્ણય લેવાય તે અનિવાર્ય છે.
બોક્સ:૧
ભરતભાઈ હાલ ચૂંટણી જીત્યા છે જેથી ડી.પી.ઈ.ઓ ને મળવા ગયા છે તેવું સવારે મને જણાવેલ હતું. રજા રિપોર્ટ એવું કંઈ આપ્યું નથી અને તેઓ હાલ સ્કૂલમાં હાજર નથી.અત્યારે મારું નેટવર્ક મોબાઇલમાં નથી બરાબર હું પછી ફોન કરીશ.– મુખ્ય શિક્ષિકા સંકુતલા બેન(ધાકમાળ)
બોક્સ:૨
ચૂંટાયેલા પ્રતિનિધિ નો ટેલિફોનિક સંપર્ક સાંધી વિગત મેળવવા પ્રયત્ન કરતા ફોન રીસીવ કર્યો ન હતો.જેથી સમ્પર્ક થઈ શક્યો ન હતો.