
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બોરીગાંવઠા ગામે ગત 31 જાન્યુઆરીના રોજ બનેલી વનકર્મીની નિર્મમ હત્યાના કેસમાં તપાસ કરી રહેલી વઘઇ પોલીસની ટીમને વધુ એક સફળતા મળી છે.પકડાયેલા ત્રણેય આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે તેમના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.બારખાંધ્યા ફોરેસ્ટ નાકા પર ફરજ બજાવતા વનકર્મી સનતભાઈ ગનસુભાઇ બીરારી જ્યારે ફરજ પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમણે સાયકલ પર સાગના લાકડા ચોરીને લઈ જતા ત્રણ શખ્સોને અટકાવ્યા હતા. પકડાઈ જવાની બીકે આ લાકડાચોરોએ સનતભાઈ બિરારી પર વાંસના ડંડા વડે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.આ ‘બ્લાઇન્ડ મર્ડર’ કેસ ઉકેલવા માટે ડાંગ એસ.પી. પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ 10 ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ડ્રોનની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ કોસીમપાતળ ગામના ત્રણ શખ્સો પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇ સોમાભાઇ પવાર,હેમંતભાઇ સુકીરાવભાઇ મોતાભાઇ,ઋત્વીકભાઇ મંજુભાઇ પવાર એમ ત્રણની અટકાયત કરી હતી.વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.વી. કે.ગઢવી અને પી.એસ.આઈ. એમ.એસ.રાજપૂતની ટીમ દ્વારા ગતરોજ આરોપીઓની ધરપકડ કર્યા બાદ, આજે તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.વઘઇ પોલીસની ટીમ દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા, હુમલામાં વપરાયેલ હથિયારો કબજે કરવા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે તપાસવા માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના તા. 09/02/2026 ના સવારના 11:00 કલાક સુધીના (કુલ 3 દિવસના) પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.હાલમાં વઘઈ પોલીસ આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે, જેથી હત્યા પાછળના વધુ તથ્યો અને લાકડાચોરીના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે..





