
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના રતાડીયા-ગુંદાલા માર્ગની બદતર હાલત મુદ્દે દીકરીઓએ સરકારને આપ્યું આવેદનપત્ર
રતાડીયા,તા.૨૮: કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના છેવાડાના રતાડીયા ગામથી ગુંદાલાને જોડતો માર્ગ છેલ્લા ૧૦ વર્ષથી તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બનતા આજે ‘મૃત્યુનો માર્ગ’ બની ચૂક્યો છે. આ બિસ્માર રસ્તાને કારણે સૌથી માઠી અસર ગામની દીકરીઓના શિક્ષણ પર પડી રહી છે. ખરાબ રસ્તાના બહાને એસ.ટી. તંત્ર દ્વારા બસ સુવિધા બંધ કરી દેવાતા વિદ્યાર્થીનીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગંભીર પ્રશ્ને ગામની દીકરીઓએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન પત્ર પાઠવી તંત્રની ‘વહીવટી આળસ’ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.
આવેદનમાં ધારદાર રજૂઆત કરતા જણાવાયું છે કે એક તરફ સરકાર ‘બેટી પઢાવો’ના મસમોટા હોર્ડિંગ્સ લગાવે છે ત્યારે બીજી તરફ રસ્તાના અભાવે દીકરીઓ કોલેજ કે સ્કૂલે જઈ શકતી નથી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી રિક્ષાના ચાર ગણા ભાડા ચૂકવવા પડે છે. ૬ મહિના પહેલા આ રસ્તાના ખાડાઓએ એક નિર્દોષ યુવાનનો જીવ લીધો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હજુ પણ નિદ્રાધીન હોય તેવું જણાય છે. આશ્ચર્યની વાત એ છે કે રતાડીયા-ગુંદાલા-ભલોટ માર્ગ માટે અંદાજે ૧૫ કરોડ જેટલી માતબર રકમ મંજૂર થઈ ચૂકી હોવા છતાં કામ કાગળ પર જ અટકેલું છે.
ગામની બહેનોએ પ્રધાનમંત્રીને ‘મોટાભાઈ’ તરીકે સંબોધીને ભાવુક અપીલ કરી છે કે તેમના શાસનમાં કન્યા કેળવણી જેવી જે પ્રાથમિકતાઓ હતી તેને અત્યારના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નેવે મૂકી દીધી છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આગામી ૧૫ દિવસમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવે, તાત્કાલિક પેચવર્ક કરી બસ સેવા ચાલુ કરવામાં આવે અને જ્યાં સુધી પાકો રસ્તો ન બને ત્યાં સુધી વિદ્યાર્થીનીઓ માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક વૈકલ્પિક વાહન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં જનતાની સહનશીલતા ખૂટશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



