વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ: ખેરગામના વેણ ફળિયાના લોકો ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોના હિતને અવગણી ગોચર જમીન પર બનાવી દેવાયેલી ડમ્પિંગ સાઈટને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતે વોર્ડ નં.11 અને 12 તથા આજુબાજુના ગ્રામજનો ખેરગામ સરપંચ અને તલાટી સામે મોરચો માંડવાના મૂડમાં આવી ગયા છે. *ઉપરાંત જે જગ્યાએ ડમ્પિંગ સાઈટ બનાવી દેવાઈ છે ત્યાં જ ગ્રામસભા યોજવાની જીદ લઈને બેઠા છે* .ખેરગામના વેણ ફળિયા તથા તેની આજુબાજુના અસરગ્રસ્ત વિસ્તારના રહીશોએ ડમ્પિંગ સાઇડ સામે હવે લડી લેવાનું મૂડ બનાવી દીધું છે. ખેરગામ બજાર વિસ્તારમાંથી દૈનિક ધોરણે જે ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે તે કચરાને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા જે જગ્યાએ ઠાલવવામાં આવે છે તે બ્લોક/સરવે નં.૧૧૪૮ની જમીન ગોચરની જમીન છે. આ જગ્યાની આજુબાજુ એટલે કે ૨૦થી ૩૦ મીટરના અંતરે માનવ વસતી આવેલી છે. આથી ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ગોચરની જમીન માટેના સરકાર તથા સર્વોચ્ચ અદાલત દ્વારા આપેલા વિવિધ દિશાનિર્દેશોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ બાબતે 326 લોકોએ સહી સાથે સરપંચ અને તલાટીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કચરાને કારણે ભૂગર્ભ જળ અને ખેતીને અસર 20,000થી વધુ વસતી ધરાવતા ખેરગામ નગરમાં સમસ્યાની ભરમાર છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ગટર અને ડમ્પિંગ સાઈટનો છે. ખેરગામ ગ્રામ પંચાયતના જે-તે વખતના શાસકોને કારણે આજે સમસ્યા ગંભીર બની રહી છે. હાલમાં જે સ્થિતિ છે એ મુદ્દે પણ ઉકેલ નહીં આવતાં લોકો કંટાળી ગયા છે. ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ગોચર જમીન ઉપર કચરો ઠાલવી આ જગ્યાની આજુબાજુ રહેતા લોકો, પશુઓ, ખેતીવાડી, પાણી તથા પર્યાવરણને ગંભીર ક્ષતિઓ પહોંચાડાઈ રહી છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જે એક ખૂબ જ ચિંતાનો વિષય છે. પ્રદૂષણના કારણે અસરગ્રસ્ત વિસ્તારના રહીશોનાં સ્વાસ્થ્યની સમસ્યા, હવા, ભૂગર્ભ જળને અસર થઈ રહી છે. ખેતીનો પણ દાટ વળી રહ્યો છે.