
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં ‘ઓપરેશન મિલાપ’ની માનવીય સફળતા પર નાયબ મુખ્યમંત્રીના અભિનંદન, ડાંગ પોલીસનું ગૌરવ વધ્યુ..
ડાંગ જિલ્લામાં પોલીસની સંવેદનશીલતા અને કાર્યક્ષમતાનો એક અદભૂત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વઘઈ પોલીસે 13 વર્ષથી ગુમ થયેલા એક યુવાનને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ પ્રશંસનીય કામગીરીની રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ નોંધ લીધી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ડાંગ પોલીસની ટીમની કાર્યક્ષમતા અને માનવીય અભિગમને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. ઘટનાની વિગત એવી છે કે, આશરે 12 થી 13 વર્ષ પહેલાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રણજીતભાઈ વાપી ખાતે બી.બી.એ.નો અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ તે સમયે કોઈ વ્યક્તિગત અસંતોષ કે માનસિક મૂંઝવણને કારણે તેઓ કોઈને પણ જાણ કર્યા વિના હોસ્ટેલ છોડીને ચાલ્યા ગયા હતા. લાંબા સમય સુધી રણજીતભાઈનો કોઈ પત્તો ન મળતા પરિવારજનોએ તેમની શોધખોળ માટે આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. આખરે વર્ષ 2013માં આ અંગે પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વર્ષો વીતતા ગયા તેમ પરિવારની આશા પણ ક્ષીણ થતી ગઈ હતી, પરંતુ ડાંગ પોલીસ અધીક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ મિલાપ’ એ ફરી એક નવી આશા જન્માવી હતી.આ ઝુંબેશ અંતર્ગત વઘઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગઢવી, પી.એસ.આઈ. એમ.એસ. રાજપૂત અને તેમની ટીમે અત્યંત ધૈર્ય અને નિષ્ઠા સાથે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સુવ્યવસ્થિત ઉપયોગ દ્વારા પોલીસને જાણવા મળ્યું હતું કે ગુમ થયેલ યુવાન કચ્છના ગાંધીધામમાં છે. સતત મહેનત અને માનવતાભર્યા પ્રયાસોને અંતે પોલીસે રણજીતભાઈને શોધી કાઢ્યા હતા અને તેમને સુરક્ષિત રીતે તેમના વતન ડાંગ પરત લાવ્યા હતા.13 વર્ષના લાંબા વિરહ બાદ જ્યારે રણજીતભાઈ પોતાના પરિવારને મળ્યા ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું અને પરિવારે પોતાની વર્ષો જૂની આશાઓ પૂર્ણ થતી જોઈ ખુશીના આંસુ વહાવ્યા હતા. ડાંગ પોલીસની આ નિષ્ઠાવાન કામગીરીને કારણે જિલ્લાભરમાં પોલીસ વિભાગની છબી વધુ મજબૂત બની છે અને સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. રણજીતભાઈના પરિવારજનોએ પોલીસ અધીક્ષક પૂજા યાદવ અને સમગ્ર પોલીસ ટીમનો આભાર માન્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ સફળતાને સોશિયલ મીડિયા પર શેર કરી પોલીસની સંવેદનશીલતાને જાહેર જનતા સમક્ષ મૂકી હતી, જેનાથી ડાંગ જિલ્લા પોલીસના જવાનોમાં પણ નવો ઉત્સાહ અને જનસેવાની પ્રેરણા મળી છે..





