
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હોળી પ્રાગટ્યનાં બીજા દિવસે ડાંગ જિલ્લાવાસીઓએ ધુળેટીના પર્વને પણ હર્ષોઉલ્લાસથી માણ્યો હતો. ડાંગ જિલ્લાવાસીઓએ રંગોની છોળો ઉડાડતા ધુળેટીનાં પર્વની ઉજવણી કરી હતી.ડાંગ જિલ્લામાં ધુળેટીનો તહેવાર એક આગવી પરંપરા અને સાંસ્કૃતિક રીતિરિવાજોનું મહત્વ ધરાવે છે. અહીં ધુળેટીની ઉજવણી માત્ર રંગોના તહેવારથી વિશેષ છે. જેમાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનો સમાવેશ થાય છે.ડાંગના આદિવાસી લોકો ધુળેટીને તેમની પરંપરાગત રીતે ઉજવે છે, જેમાં સ્થાનિક સંગીત, નૃત્ય અને લોકગીતોનો સમાવેશ થાય છે.આદિવાસી સમુદાયો તેમના પરંપરાગત પોશાકો પહેરીને ધુળેટીની ઉજવણી કરે છે, જે તેમની સાંસ્કૃતિક ઓળખને પ્રતિબિંબિત કરે છે.ડાંગ જિલ્લામાં ઠેર ઠેર સામુહિક રીતે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં હોળી પ્રાગટયના બીજા દિવસે ધુળેટીના પર્વને પણ જિલ્લા વાસીઓએ ઉત્સાહભેર ઉજવ્યો હતો.અને ડાંગ જિલ્લાના વેપારી મથક એવા વઘઈ ખાતે કૃષ્ણ ભગવાન સાથે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લામાં ધુળેટીના રોજ,બાળકો, યુવાનો સહિત વૃધ્ધોએ એક બીજાને રંગ લગાવી ધુળેટીનો રંગ માણ્યો હતો. ડાંગ જિલ્લામાં વર્ષોથી ભાઈ ચારા સાથે વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે.તેમજ ધુળેટીનાં દિવસે ગામડાઓમાં બાળકો દ્વારા માર્ગો પર ઉભા રહી ફાગની ઉઘરાણી કરવામાં આવી હતી.નાના બાળકો દ્વારા હોળી(શિમગા) નો ફાગ- ફાળા માટે રસ્તા પર લાકડાની મદદથી નાનું એવુ નાકું બનાવ્યું હતું.ત્યારે ખુલ્લા દિલથી રાજી થઈ રાહદારીઓએ તથા વાહનચાલકોએ બાળકોને ફાગ આપ્યો હતો.ત્યારે બાળકોમાં ખુશીમાં વધારો થયો હતો.બાળકોના મુખ પર સ્મિત રેલાતું જોવા મળ્યું હતુ.ડાંગ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધુળેટીનાં પર્વની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી.ગિરિમથક સાપુતારા સહિત ટેન્ટ રિસોર્ટમાં પણ રોકાયેલ પ્રવાસીઓએ રંગોની છોળો ઉડાડી ધુળેટીની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી..




