
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા : એમ્બ્યુલન્સમાં લાગેલી આગે ત્રણ લોકોના જીવ લીધા, મોડાસાથી અમદાવાદ જતી હતી એમ્બ્યુલન્સ
મોડાસા શહેરના રાણા સૈયદ નજીક આજે એક ગંભીર ઘટના બની. અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમાં લઈ વધુ જાનહાની ટાળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આગની ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. જેમાં એક ડૉક્ટર, એક નર્સ અને એક બાળકનો સમાવેશ થાય છે.મળી રહેલી માહિતી અનુસાર, મોડાસાની રિચ હોસ્પિટલનો એક પેશન્ટ અમદાવાદ રિફર કરાયો હતો, જેને લેવા માટે એમ્બ્યુલન્સ અમદાવાદથી મોડાસા આવી હતી. પેશન્ટને લઈને એમ્બ્યુલન્સ પાછી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન રાણા સૈયદ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.આગનું કારણ હજી સ્પષ્ટ બન્યું નથી. ઘટનાને લઈને ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






