પાલનપુર ખાતે બનાસકાંઠાની પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું

19 ડિસેમ્બર હિતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
લોક આગેવાનોના પ્રતિભાવો અને પ્રશ્નોના નિવારણ માટે વિષયવાર પેનલ ચર્ચાનું આયોજન કરાયું
છેવાડાના વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારી શકાય તે અંગે તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન થકી માર્ગદર્શન અપાયું.આરોગ્ય ક્ષેત્રમાં સમયસર લેવામાં આવેલા અગત્યના સૂચનો અને સુધારાઓ થકી અનેક લોકોના જીવ બચાવી શકાય:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે તથા સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા રાજ્ય માટે અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર વિવિધ હિતધારકો વચ્ચે ચર્ચા કરીને આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટે ભલામણો મેળવવાના હેતુસર પાલનપુર ખાતે “સ્વસ્થ બનાસકાંઠા માટે સ્વાસ્થ્ય પરિષદ” અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્વાસ્થ્ય પરિષદ દરમિયાન માતૃ અને બાળ કલ્યાણ સેવાઓ, કુપોષણ, કેન્સર તથા ક્ષયરોગ જેવા આરોગ્ય વિષયો પર વધુ અસરકારક રીતે કામગીરી કરી શકાય તેમજ છેવાડાના વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારી શકાય તે અંગે તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. લોક આગેવાનોના પ્રતિભાવો અને પ્રશ્નોના નિવારણ માટે વિષયવાર પેનલ ચર્ચાનું આયોજન કરી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રમાં સમયસર લેવામાં આવેલા અગત્યના સૂચનો તથા નાના-મોટા સુધારાઓ અનેક લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે સરકાર, આરોગ્ય વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોક આગેવાનો વચ્ચે સુમેળ અને સહયોગ અત્યંત જરૂરી છે. તેમણે એન.જી.ઓ., સામાજિક સંસ્થાઓ તથા લોક આગેવાનોને પોતાની અનુભૂતિઓ, સ્થાનિક સ્તરની સમસ્યાઓ અને ઉપયોગી સૂચનો રજૂ કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, લોકલક્ષી અને અસરકારક બનાવવા સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે ડૉ. નયન જાની, અધિક નિયામકશ્રી (આ.૫.) દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિષયવાર ચર્ચાના અંતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં ડૉ. બ્રિજેશ વ્યાસ, જિલ્લા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.આ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય સોલંકી, બનાસ મેડિકલ કોલેજ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો તેમજ રેડ ક્રોસ સોસાયટી, સદભાવના ગ્રુપ, મહિલા મંડળોના પ્રમુખશ્રીઓ, તમામ તાલુકામાંથી પધારેલા લોક આગેવાનો તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.









