GUJARAT

નર્મદા અસરગ્રસ્તો ને ભાડાપટ્ટે દુકાનો ફાળવવા સમિતિની રચના , પણ નિગમની જમીન ઉપર કબજો હશે તો ખાલી કરવો પડશે !!

નર્મદા અસરગ્રસ્તો ને ભાડાપટ્ટે દુકાનો ફાળવવા સમિતિની રચના , પણ નિગમની જમીન ઉપર કબજો હશે તો ખાલી કરવો પડશે !!

 

 

સ્થાનિકોને રોજગારી માટે એકતા નગરમાં પાંચ ગામના અસરગ્રસ્તોને ૨૩૦ દુકાનો ભાડાપટ્ટે ફાળવાશે

 

દુકાન ફાળવણી માટે ઉચ્ચ અધિકારીઓની સમિતીની રચના કરાઇ

 

અરજદાર કે તેઓના પૂર્વજોએ રાજ્ય સરકારના સન. ૧૯૯૨, ૨૦૧૩, ૨૦૧૫ કે ૨૦૧૮ ના પેકેજનો લાભ લીધેલ હોય કે અસરગ્રસ્ત તરીકેના અન્ય લાભો લીધેલ હોય અને હાલ સ.સ.ન.નિ.લી.ની માલિકીની જગ્યા પર ઘર કે ખેતર ધરાવતા હોય તો તેઓએ ઘર કે ખેતરનો કબજો સ.સ.ન.નિ.લી.ને સોંપવાનો રહેશે તોજ જ દુકાન ફાળવી શકાશે.

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસ પાસ અન્ય વિશ્વ કક્ષાના પ્રવાસન કેન્દ્રો વિકસાવવામાં આવેલ છે. જેની ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહેલ છે તથા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિની ઝલક મળી રહે, પરંપરાગત વસ્તુઓનો અને ટ્રાઈબલ ફુડનો લાભ મળી રહે તેમજ સ્થાનિકોને સ્વરોજગારી મળી રહે તે માટે એક્તાનગર ખાતે આશરે ૨૩૦ દુકાનો બનાવવામાં આવેલ છે.

સરદાર સરોવર યોજનાના કામે એક્તાનગર (કેવડીયા), વાગડીયા, નવાગામ, લીમડી અને ગોરા (પાંચ ગામ) ની જમીન સંપાદન કરવામાં આવેલ હતી. જેમાં મહદ્દઅંશે સ્થાનિક આદિવાસી ખાતેદારોની જમીનો સંપાદિત થયેલ અસરગ્રસ્તોને સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા પુન:વસનન પુન:સ્થાપનના જુદા જુદા પેકેજોના લાભ આપી સમગ્ર વિસ્તારને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા પ્રયત્ન કરાયેલ છે. જેના ભાગરૂપે ઉક્ત ગામોના મૂળ અસરગ્રસ્ત ખાતેદારો/તેઓના વારસોને ઉપર્યુક્ત દુકાનો ફાળવવા માટે તમામ પાસાઓ અંગે વિચારણા કરી, દુકાન ફાળવવા અંગેની લાયકાતો, દુકાન ફાળવવાની પ્રક્રિયા અને શરતો સહિતની સર્વગ્રાહી નીતિ સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક મુકેશ પુરી અને સંયુકત વહીવટી સંચાલક ઉદિત અગ્રવાલની રાહબરીમા તૈયાર કરીને અમલમાં મુકવામાં આવી છે.

 

• દુકાન ફાળવણી માટે ઉચ્ચ અધિકારીઓની સમિતીની રચના કરાઇ.

 

દુકાન ફાળવણી અંગે નિર્ણય કરવા માટે અધિક્ષક ઇજનેર, નર્મદા યોજના મુખ્ય કામ વર્તુળની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની સમિતીની રચના કરવામાં આવી છે, દુકાન ફાળવણીની સર્વગ્રાહી નિતિ મુજબ દુકાન ફાળવણી માટે આવેલ અરજીઓને ધ્યાને લઇને આખરી નિર્ણય આ સમિતિ કરશે.

 

૧) અધિક્ષક ઈજનેર, નર્મદા યોજના મુખ્ય કામ વર્તુળ, એક્તાનગર – અધ્યક્ષ

૨) અધિક કલેક્ટર-૧, SOUADTGA, એકતા નગર – સભ્ય

૩) નાયબ કલેક્ટર અને વહીવટદાર, એકતા નગર – સભ્યસચિવ

૪) નાયબ કલેક્ટર યુનીટ-૪, SOUADTGA, એકતા નગર – સભ્ય

૫) કાર્યપાલક ઈજનેર, નર્મદા યોજના વસાહત વિભાગ નં. ૩ એક્તાનગર: સભ્ય

 

 

*દુકાન ફાળવણીની સર્વગ્રાહી નીતિ*

 

1. અરજદાર સરદાર સરોવર યોજના માટે એકતાનગર (કેવડીયા), વાગડીયા, નવાગામ, લીમડી અને ગોરા ગામની જમીનો સંપાદન કરવામાં આવેલી હતી તે ૫ (પાંચ) ગામ પૈકીના વતની હોવા જોઈએ.

 

2. ૫-ગામો એક્તાનગર(કેવડીયા), વાગડીયા, નવાગામ, લીમડી, ગોરાના મૂળ અસરગ્રસ્ત ખાતેદારો કે જેઓની એક કરતા વધારે ગામમાં અથવા એક કરતાં વધારે સર્વે નંબરો સંપાદન થયાં હોય તો એ તમામ સંપાદિત સર્વે નંબરો માટે મુળ અસરગ્રસ્ત ખાતેદારના વારસોમાં સંયુક્ત રીતે સર્વ સંમતીથી એક જ દુકાન ફાળવી શકાશે.

 

3. ઉકત ૫-ગામો એકતાનગર (કેવડીયા), વાગડીયા, નવાગામ, લીમડી, ગોરાની સંપાદિત જમીનના મૂળ અસરગ્રસ્ત ખાતેદારોના રેવન્યુ રેકર્ડમાં એક કરતાં વધારે સહ ખાતેદારો હોય તો તમામ સહ ખાતેદારો દીઠ સંયુક્ત રીતે સર્વ સંમતીથી એક જ ખાતેદારને દુકાન ફાળવી શકાશે.

 

4. અરજદાર કે તેઓના પૂર્વજોએ રાજ્ય સરકારના સન. ૧૯૯૨, ૨૦૧૩, ૨૦૧૫ કે ૨૦૧૮ ના પેકેજનો લાભ લીધેલ હોય કે અસરગ્રસ્ત તરીકેના અન્ય લાભો લીધેલ હોય અને હાલ સ.સ.ન.નિ.લી.ની માલિકીની જગ્યા પર ઘર કે ખેતર ધરાવતા હોય તો તેઓએ ઘર કે ખેતરનો કબજો સ.સ.ન.નિ.લી.ને સોંપવાનો રહેશે. કબજો સોંપ્યા બાદ જ દુકાન ફાળવી શકાશે.

 

5. અરજદાર કે તેઓના પૂર્વજોએ રાજ્ય સરકારના હયાત પેકેજનો લાભ સ્વીકારેલ ન હોય તો પેકેજનો લાભ સ્વીકારી, સ.સ.ન.નિ.લી.ની માલિકીની જમીનમાં ઘર કે ખેતર ધરાવતા હોય તો તેઓએ ઘર કે ખેતરનો કબજો સ.સ.ન.નિ.લી.ને સોંપવાનો રહેશે. કબજો સોંપ્યા બાદ જ દુકાન ફાળવી શકાશે.

 

6. આ દુકાન ભાડા પટ્ટે આપવામાં આવશે. તેની માલિકી કાયમી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની રહેશે અથવા સરકાર કક્ષાએથી નક્કી થાય તે ઓથોરિટીની રહેશે. આ ભાડા પટ્ટો વીસ (૨૦) વર્ષનો રહેશે. જેનું મહિનાનું ભાડું રૂ. ૫૦૦/- રહેશે, જેની ડિપોઝીટ પેટે એક (૧) વર્ષનું ભાડું જેને આ દુકાન ડ્રો માં લાગે તેણે આપવાનું રહેશે.

 

7. ફાળવણી માટે ઉપલબ્ધ દુકાનોની સંખ્યા કરતાં વધારે અરજીઓ આવે તે કિસ્સામાં લાભાર્થીની પસંદગી દુકાન ફાળવણી સમિતિ દ્વારા ડ્રોથી કરવામાં આવશે.

 

8. આ દુકાનના લાઈટ બીલ/પાણી બીલ/અન્ય લાગુ પડતાં વેરા દુકાનદારે જાતે ભરવાના રહેશે તથા તેનો સમારકામ, મેન્ટેનન્સ પણ તેણે જાતે કરવાનું રહેશે. જે પરિસ્થિતિમાં દુકાન તેઓને ભાડા પટ્ટે આપેલી છે તે જ પરિસ્થિતિમાં તેઓ પોતે દુકાન ભાડા પટ્ટો પૂરો થાય અથવા કાયદા,નિયમો કે શરતોનો ભંગ થતાં ભાડા પટ્ટો રદ થાય તો પરત કરવાની રહેશે.

 

9. સરકારના કોઈ પણ કાયદા, નિયમો કે શરતોનો ભંગ થાય તો ભાડા પટ્ટો રદ કરી શકાશે.

 

10. દુકાન ફાળવણી સમિતિ દ્વારા દુકાન ફાળવણી લાભાર્થીઓના તમામ કેસની ચકાસણી કરી, પ્રત્યેક કેસ બાબતે નિર્ણય કરવાનો રહેશે.

 

11. લાભાર્થી પસંદ થયા બાદ કયા લાભાર્થીને કઈ દુકાનની ફાળવણી કરવી તે અંગેનો નિર્ણય દુકાન ફાળવણી સમિતિ દ્વારા સામાન્ય સંજોગોમાં ડ્રોથી કરવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં દુકાન ફાળવણી સમિતિ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંતિમ ગણવામાં આવશે તથા લાભાર્થીઓને દુકાન ફાળવણીની જાણ કરતો પત્ર પાઠવવાનો રહેશે.

 

12. દુકાન ફાળવણી સમિતિ ધ્વારા પત્ર મળ્યેથી લાભાર્થી દવારા દિન ૩૦ માં દુકાન ફાળવણી સમિતિ સાથે જરૂરી કરાર કરવાનો રહેશે તથા જરૂરી ડિપોઝીટની રકમ જમાં કરાવવાની રહેશે. ત્યાર બાદ જ દુકાન ફાળવણી સમિતિ ધ્વારા લાભાર્થીને દુકાન ફાળવણીનો હુકમ કરવામાં આવશે.

 

13. દુકાનના ભાડામાં વખતો-વખત ફેરફાર કરવાની સત્તા દુકાન ફાળવણી સમિતિની રહેશે.

 

14. દુકાન ફાળવણી સમિતિની પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય ભાડાપટ્ટે રાખેલ દુકાનમાં કોઇપણ જાતનું બાંધકામ કે ફેરફાર કરી શકાશે નહી તેમજ અન્ય કોઈ વાંધાજનક કે નુકસાનકારક ધંધો કરી શકાશે નહીં.

 

15. સદરહું દુકાનમાં સહેલાઈથી સળગી ઉઠે તેવા સ્ફોટક પદાર્થ તથા પ્રતિબંધિત વસ્તુઓનો ધંધો કરી શકાશે નહી.

 

16. દુકાન ફાળવણી સમિતિ દ્વારા વખતો વખત જે તે નીતિ નિયમો નક્કી કરવામાં આવે તેનું પાલન ભાડુઆતે કરવાનું રહેશે તથા ભાડૂઆત તેને જેટલી જગ્યા ભાડે આપેલ છે તેટલા ક્ષેત્રફળ પુરતો જ ઉપયોગ કરી શકશે. વધારાની કોઇપણ જગ્યાનો ઉપયોગ કરી શકશે નહી તથા ભાડુઆત દ્વારા આ જગ્યા વેચાણ કે ગીરો મૂકી શકાશે નહી.

 

17. દુકાન ભાડે રાખનાર ઇસમ/ભાડુઆતને દુકાન ફાળવણી સમિતિ દ્વારા જે કોઈ શરતો કે નિયમો નક્કી કરવામાં આવે તે શરતો તથા નિયમોનું પાલન કરવાનું રહેશે અને જ્યારે કોઈ વિવાદ ઉપસ્થિત થાય ત્યારે દુકાન ફાળવણી સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે ભાડુઆતને બંધનકર્તા રહેશે.

 

18. ભાડાપટ્ટે આપેલ દુકાનની જાળવણી તથા જરૂરી સફાઈ તથા ઘન કચરાના નિકાલની વ્યવસ્થા જે તે ભાડાપટ્ટે રાખનારે પોતાના સ્વ ખર્ચે કરવાની રહેશે.

 

19. ફાળવેલ દુકાન અન્ય વ્યક્તિ કે સંસ્થાને પેટા ભાડે, લીઝ, વેચાણ કે અન્ય કોઈ રીતે કોઈને ધંધો કરવા આપી શકાશે નહી. દુકાનની જેના નામે ફાળવણી થયેલ છે તેઓએ પોતે જ ધંધો કરવાનો રહેશે અને તેને ગીરો કે બક્ષીસ પણ કરી શકાશે નહીં.

 

20. ભાડુઆતનું અવસાન થાય તો તેવા કિસ્સામાં અવસાન બાદ છ માસ સુધીમાં તેમની સીધી લીટીના વારસદારોએ અરજી કરવાની રહેશે. જેની ચકાસણી કરી વારસદારોનું નામ ભાડુઆત તરીકે દાખલ કરવાનું રહેશે. જો કોઈ એક વારસદારનું નામ ભાડુઆત તરીકે દાખલ કરવા રજૂઆત હોય તો બાકીનાં તમામ સીધી લીટીનાં વારસદારોએ નિયત સ્ટેમ્પ ડ્યુટી સાથેનો (ના વાંધા અંગેનો) રજીસ્ટર્ડ લેખ રજુ કરવાનો રહેશે. જ્યારે સીધી લીટીના વારસદાર ન હોય તેવા સંજોગોમાં દુકાન, દુકાન ફાળવણી સમિતિ હસ્તક પરત લેવામાં આવશે.

 

21. દુકાનનાં ભાડુઆતે વિવિધ વસ્તુઓના વેચાણ અંગે સરકારી ધારાધોરણ મુજબ જરૂરી તમામ મંજુરીઓ, પરવાનગી, લાયસન્સ સક્ષમ સત્તાધિકારી પાસેથી પોતાના ખર્ચે મેળવી પછી જ ધંધો શરૂ કરવાનો રહેશે. સમયાંતરે તે મંજુરીઓ, પરવાનગી, લાયસન્સ રીન્યુ કે તાજા કરાવવાની કાર્યવાહી પણ કરવાની રહેશે. તેમજ સરકાર દ્વારા નિયત થયેલ તમામ કાયદા/નિયમોની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

 

 

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર યોજનાના કામે એકતાનગર(કેવડીયા), વાગડીયા, લીમડી, ગોરા, નવાગામની જમીન સંપાદન કરવામાં આવેલી હતી. જે મૂળ અસરગ્રસ્ત ખાતેદારોની જમીનો સંપાદન કરવામાં આવેલ તેઓના પુન:વસન માટે સરકારશ્રી દ્વારા સન. ૧૯૯૨, ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૮ માં પેકેજ જાહેર કરી લાભ આપવામાં આવેલ છે. વધુમાં મૂળ અસરગ્રસ્ત ખાતેદારો/તેઓના વારસદારોને રોજગારીની તક મળે તથા પ્રવાસીઓ માટે સારી બજાર વિકસે તે હેતુથી એક્તાનગર ખાતે બનાવેલ ૨૩૦ દુકાનોની ફાળવણીની નીતિ નક્કી કરવામાં આવે છે.

 

સમગ્ર બાબતે પ્રાંત અધિકારી, રાજપીપલા અને નાયબ કલેકટર અને વહીવટદાર એકતા નગર,સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના ડૉ. કિશનદાન ગઢવીએ આ બાબતે જણાવ્યું હતું કે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સ્થાનિક 5 ગામના અસરગ્રસ્તોના વ્યાપક હિતમાં સર્વગ્રાહી નીતિ જાહેર કરાયેલી છે તેના માટે કચેરી ખાતે વિના મૂલ્યે ફોર્મ વિતરણ કરાઇ રહ્યું છે, ગ્રામ પંચાયતોના તલાટી સહિતના તંત્રને લાભાર્થી સહિતના ગ્રામજનોને માહિતી પહોંચાડવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, નિયત ફોર્મ ભરવા માટે કોઈ પણ તકલીફ પડે તો કચેરીના કર્મચારીઓ પણ ફોર્મ ભરવા મદદરૂપ થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!