PORBANDARPORBANDAR CITY / TALUKO

નૌ સેનાને ડિલીવરી મળે એ પહેલાના પરીક્ષણ સમયે અદાણી ડિફેન્સે બનાવેલું દ્રષ્ટિ 10 ડ્રોન તૂટી પડયું

ઈઝરાયેલના લાયસન્સના આધારે અદાણી જૂથની કંપનીએ એસેમ્બલ કરેલુ ડ્રોન પોરબંદર નજીક દરિયામાં તૂટી પડયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પાયલોટ રહિત, રિમોટથી કન્ટ્રોલ થતા દ્રષ્ટિ ૧૦ નામના આ ડ્રોનની એસેમ્બલી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. નૌ સેના દ્વારા આ ડ્રોન સ્વીકારવામાં આવે એ પહેલા થઇ રહેલા પરીક્ષણ સમયે જ તે તૂટી પડયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મિડીયમ એલટીટયુડ લોંગ એન્ડયોરન્સ (મેલ) પ્રકારનું આ ડ્રોન ઇઝરાયેલની એલ્બીટ સિસ્ટમના હર્મેસ ૯૦૦ સ્ટારલાઈનર આધારિત છે. અદાણી જુથે તેને ભારતમાં હૈદરાબાદ ખાતે એસેમ્બલ કરવામાં આવે છે અને તેને  દ્રષ્ટિ ૧૦ નામ આપ્યું છે. નૌ સેનાના એક અભિયાન સમયે પોરબંદર નજીક દરિયામાં તે તૂટી પડયું ત્યારે અદાણી જૂથ દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાથી નૌ સેનાને કોઈ આર્થિક નુકસાન થયું નથી. તૂટી પડેલા ડ્રોનના કારણોની તપાસ કરવા તેનો કાટમાળ કંપનીએ કબજે કર્યો હોવાનું સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ ડ્રોન ૩૦,૦૦૦ ફૂટની ઉચાઈએ ઉડી શકે છે અને ૪૫૦ કીલોગ્રામ વસ્તુના વહન સાથે ૩૬ કલાક સુધી ઉડી શકે છે. આપતકાલીન સ્થિતિમાં તેનો ઉપયોગ વસ્તુની આપ-લે માટે પણ થઇ શકે છે. વર્ષ ૨૦૨૩માં આર્મી અને નૌ સેનાએ બે અલગ અલગ આ પ્રકારના ડ્રોન મેળવ્યા હતા. આ એક ડ્રોનની કિંમત રૂ.૧૨૦થી ૧૪૫ કરોડ અંદાજવામાં આવે છે. નૌ સેના એક ડ્રોન જાન્યુઆરીમાં મળ્યું હતું જ્યારે આર્મીને તેની ડિલીવરી જૂન મહિનામાં મળી હતી. જે ડ્રોન પોરબંદર નજીક તૂટી પડયું તે નૌ સેનાના ઉપયોગમાં લેવાનું હતું એમ જાણવા મળ્યું છે. આર્મી અને નૌ સેના દરિયાઈ જોખમો સામે રક્ષણ મેળવવા અને સરહદની સુરક્ષા ઉપર દેખરેખ રાખવા માટે હાઈ રેંજ માટે અમેરિકન અને મીડીયમ રેંજ માટે ઈઝરાયેલી ડ્રોન ખરીદવા માટે ઉત્સુક છે.

Back to top button
error: Content is protected !!