અસારવા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં રાજ્યપાલનો ઉદ્દબોધન: “વિદ્યાર્થી માત્ર ડિગ્રી નહીં, સંસ્કાર સાથે રાષ્ટ્રના નિર્માતા બને”

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે, “પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવું એ માત્ર એક ઔપચારિકતા નથી, પણ દેશના ભવિષ્ય માટે એક ઊંડી પ્રેરણા છે.”
આ સન્માન સમારોહ રુચિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અસારવા વિસ્તારની વિવિધ શાળાઓના ધોરણ 5 થી 12 સુધીના શૈક્ષણિક સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા.
રાજ્યપાલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, શિક્ષણ માત્ર નોકરી માટેનું સાધન નહીં, પણ ઊંડા જીવનમૂલ્યોને ઉજાગર કરતું મંચ હોવું જોઈએ. તેમણે બાળકોને પીછેહઠ ન કરવાની સલાહ આપતા ઉદાહરણ રૂપે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવોનું સ્મરણ કરાવ્યું કે જેમણે કપરા સંજોગો વચ્ચે પણ સફળતા હાંસલ કરી.
તેમણે જણાવ્યું કે, બાળકોનું સર્વાંગી વિકાસ સારા આરોગ્ય, શિક્ષણ અને સંસ્કાર પર આધારિત હોય છે. બાળપણમાં કેળવાયેલ આદતો સમગ્ર જીવન માટે દિશા દર્શાવે છે. રાજ્યપાલે પોતાના ગુરુકુળના અનુભવો પણ વર્ણવ્યાં અને જણાવ્યું કે જ્યાં વિદ્યાર્થીઓ યોગ, પ્રાણાયામ, વેદ પાઠ, અને શિસ્તબદ્ધ જીવન દ્વારા સમર્પિત નાગરિક તરીકે ઊભા થાય છે.
કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું સન્માન એ તેમના માટે એક મોટું મંચ છે જ્યાંથી તેઓ નવી ઊંચાઈઓ તરફ પ્રયાણ કરી શકે છે. “આ સન્માન ફક્ત ઈનામ નથી, પણ જવાબદારી પણ છે,” એમ તેઓએ ઉમેર્યું. તેમણે વિદ્યાર્થીઓને હકારાત્મકતા, સંસ્કાર અને સતત મહેનતથી આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપી.
અગ્રણી પ્રેરકભાઈ શાહ અને રત્નાંજલી ગ્રુપના ડાયરેક્ટર સંયમ શાહે પણ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા અને દરેક અવરોધને અવસરમાં બદલવા પ્રેરણા આપી.
આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય અમિતભાઈ શાહ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ડૉ. સુજય મહેતા, વિસ્તરના કોર્પોરેટરો, કાઉન્સિલરો, વિવિધ શાળાના શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમની અંતિમ ઘડીએ વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપ્યો અને તેમને આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું.
આવો સન્માન સમારોહ કેવળ સંભારણું નથી, પરંતુ તે વિદ્યાથીઓના મનમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવાની ભાવના સંચારતો પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો.











