વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પેટા:-અંબિકા નદી રોદ્ર સ્વરૂપમાં હોય કે પછી ધસમસતા પ્રવાહમાં વહેતી હોય તેમ છતાં પણ વર્ષોથી અડીખમ ઉભી છે બજરંગ બલીની પ્રતિમા.
વિશ્વભરમાં અજર અમર એવા હનુમાનજીના અનેકો મંદિર આવેલા છે.વિશેષ કરીને આદિવાસી અને પ્રકૃતિપૂજકનાં ઘરે ઘર હનુમાનજી પ્રત્યે અખૂટ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં હનુમાનજીનાં મંદિરો આવેલા છે.જેમાં ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર એવા વઘઇનાં સિમાડે અંબિકા નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે વર્ષોથી અડીખમ ઉભેલા બજરંગ બલીનું સ્થાન એટલે નાની વઘઇ (કિલાદ )નું તડકીયા હનુમાન મંદિર.લોકવાયકા મુજબ એક સદી અગાઉ સ્થાનિક પ્રજાજનોની આસ્થાના પ્રતીક સમાન રઘુનંદન શ્રી હનુમાનજીની પ્રતિમા (પથ્થર )ને બળદ ગાળામાં લઇ જવાતી હતી.તે સમયે અંબિકાનાં પ્રવાહમાંથી બળદ ગાડામાં લઇ જવાતા હનુમાનજીની પ્રતિમાનું વજન એકાએક વધી ગયું અને બળદ ગાડાની ઘુસરી પણ તૂટી ગઈ, પ્રતિમા લઇ જનારા ભક્તોએ લાખ પ્રયત્નો કર્યા છતાં પણ તેઓ આ મૂર્તિને નદી પાર લઇ જવામાં સફળ ન થયા,જેથી જેવી હનુમાનજીની મરજી એમ સમજી ને ત્યાં જ અંબિકા નદીની વચ્ચેજ આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. અને પૂજા અર્ચના શરૂ કરવામાં આવી હતી.અંબિકા નદીની વચ્ચોવચ બિરાજમાન આ તડકીયા હનુમાનજી ભારે ગુસ્સા વાળા હોવાની પણ લોકવાયકા છે.કોઈ પણ ગુસ્સાવાળી વ્યક્તિઓ અહીં હનુમાનજીની આસ્થા પૂર્વક પૂજા અર્ચના કરે તો તેમનો ગુસ્સો કાળક્રમે શાંત થાય છે.અને બહુ જ ઢીલા ,શાંત વ્યક્તિ જો આ હનુમાન જીની આરાધના કરે તો ધીમે ધીમે તેઓમાં પણ શક્તિનો સંચાર થાય છે.આમ બહુ શાંત અને તામસી પ્રકૃતિ ધરાવતા તમામ લોકો માટે આ હનુમાનજી આસ્થાનું કેન્દ્રબિંદુ રહયા છે.અહીં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.વાંસદા તરફથી ડાંગમાં પ્રવેશ કરો અને વાંસદા નેશનલ પાર્ક કિલાદનાં આંગણેથી નીકળો તો અંબિકા નદીનાં બ્રિજ ઉપરથી જમણે હાથે નીચે જુના ભાંગેલા પુલની બાજુમાં જે ગેરૂ રંગોનો પથ્થર દેખાય છે તે જ આ તડકીયા હનુમાનજીનું સ્થાનક છે.ચોમાસામાં આ હનુમાનજીની ચોતરફ અંબિકાનું નીર ફરી વળે છે.પ્રકૃતિનો આ નજારો પણ જોવાલાયક છે.અંબિકાના કાંઠે સ્થાનિક ભક્તજનો માટે ચોતરાની વ્યવસ્થા કરી છે.શેડ પણ બાંધ્યો છે.તેમજ પીવાનાં પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.અહીં બારે માસ અને ખાસ કરીને શનિવારે અને મંગળવારે ભક્તોની અને બાધા (માનતા) રાખતા લોકોની ભારે ભીડ જામે છે.લગ્ન પ્રસંગ જેવા શુભ અવસરે અહીંથી પસાર થતા લોકો ચોક્કસ અહીં બે ઘડી વિસામો લઇને બજરંગબલીનાં આશીર્વાદ લેતા હોય છે.રોજિંદા અવર – જવર કરતા લોકો અને વાહન ચાલકો પણ તેમને કોઈ વિઘ્ન ન નડે તે માટે આ હનુમાનજીને હોર્ન મારી ને તેમની હાજરી પુરાવતા હોય છે.ડાંગમાં ધોધમાર વરસાદ વરસતો હોય, નદીઓ બે કાંઠે વહેતી હોય ત્યારે આ પ્રતિમા જળસમાધિ લઈ લે છે.બાદમાં ચોમાસાની ઋતુ પૂર્ણ થતા ફરી ભક્ત જનોને દર્શન આપવા માટે બહાર નીકળે છે.વનપ્રદેશમાંથી વહેતી અંબિકાનાં ધસમસતા પૂરમાં તણાઈને આવતી કાળમીંઢ શીલાઓ ,વૃક્ષોનાં ડાળખાં અને લાકડાનાં પ્રહાર વચ્ચે પણ આ બાહુબલી બજરંગ બલીની પ્રતિમા અડીખમ ઉભી છે. થોડા વર્ષ પૂર્વે ભારે પૂરને કારણે બાજુનો આવેલા જૂનો પુલ પણ ધ્વસ્ત થઇ ગયો હતો. પરંતુ આ હનુમાનજીની પ્રતિમા જરા પણ ખંડિત થઇ ન હતી .ત્યારે વઘઇના તડકીયા હનુમાનજી ભક્તો માટે હાજરા હજુર છે એવી માન્યતા લોકોમાં જોવા મળે છે.અને મોટી સંખ્યામા ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે.