૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી દિવ્યાંગ મતદારોને મતદાન માટે સુગમતા : વ્હીલચેર અને સ્વયંસેવકોની સેવા મળશે
વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ તાલુકામાં ત્રણ સભ્યોની ટીમ બનાવી દિવ્યાંગ મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવામાં આવે છે

પ્રત્યેક દિવ્યાંગ મતદાતાઓ મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : ૮૭- વિસાવદર વિધાનસભા વિસ્તારના પ્રત્યેક દિવ્યાંગ મતદાતાઓ મતદાન કરે એ માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૨૧૭૮ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. આગામી તારીખ ૧૯ જૂનના રોજ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતદાનના દિવસે દિવ્યાંગ મતદારોની સુગમતા માટે ખાસ વ્હીલ ચેર, સ્વયંસેવકની સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા પીડબલ્યુડી નોડલ ઓફિસર વી.એ. સૈયદના જણાવ્યા મુજબ દરેક બુથનો સર્વે કરવામાં આવ્યો છે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી સમાજ સુરક્ષા કચેરી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. કચેરી ખાતે આવતાં નાગરિકોને ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે કાર્યરત કરવામાં આવેલ સક્ષમ એપ, તેમજ દિવ્યાંગ મતદારો માટેની સુવિધાથી અવગત કરાવવામાં આવે છે.

આમ, જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં દિવ્યાંગોની સહભાગીતા વધારવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા વિશેષ આયોજન કરવામાં આવી રહયુ છે.




