
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનું આહવા નગર આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે,ત્યારે ગતરોજ અહીં સમસ્ત શિમ્પી સમાજ દ્વારા એક અત્યંત ભક્તિમય વાતાવરણમાં શ્રી નામદેવજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી.આ પવિત્ર પ્રસંગે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સમાજના સેંકડો સભ્યો ઉમંગભેર જોડાયા હતા.”શિષ્યને એના સ્વનું જ્ઞાન કરાવે એ ગુરુ”-આ ગહન વાક્ય સંત પરંપરાના મહત્વને દર્શાવે છે.
સંત નામદેવજી મહારાજ, જેઓ ૧૩મી સદીના ભારતના મહાનતમ ભક્તિ સંતોમાંના એક ગણાય છે,તેમની પુણ્યતિથિ નિમિત્તે શિમ્પી સમાજે તેમની ભક્તિ અને શ્રદ્ધા પ્રદર્શિત કરી. નામદેવજી મહારાજ શિમ્પી સમાજના આરાધ્ય દૈવત પણ છે, અને તેથી તેમની પુણ્યતિથિનું વિશેષ મહત્વ છે.આહવા નગરના રાજમાર્ગો પર ભક્તિ અને હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. શિમ્પી સમાજના તમામ ઉંમરના લોકો – બાળકો, યુવાનો, અને વડીલો – એકત્રિત થયા હતા. મહારાજની સુશોભિત પ્રતિમાને પાલખીમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડી.જે.ના તાલે ભક્તિ ગીતો અને ભજનોની ધૂન પર શ્રદ્ધાળુઓ ઝૂમ્યા હતા. વાતાવરણમાં “જય નામદેવજી મહારાજ” ના ગગનભેદી નારા ગુંજી રહ્યા હતા.આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને અન્ય આગેવાનો પણ સહભાગી થયા હતા.તેમણે આ શોભાયાત્રામાં જોડાઈને સંત શિરોમણી નામદેવજી મહારાજ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.સમગ્ર શોભાયાત્રા દરમિયાન શિસ્ત અને ભક્તિભાવનું ઉત્તમ સંમિશ્રણ જોવા મળ્યું હતુ.આ પાલખી યાત્રા ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ નહોતી, પરંતુ તે શિમ્પી સમાજની એકતા, સંસ્કાર અને આધ્યાત્મિકતાનું પ્રતિક હતી.આવા આયોજનો સમાજમાં સદ્ભાવના અને ધાર્મિક ચેતના જગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આહવાના નગરજનોએ પણ આ ભવ્ય શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતુ.સંત નામદેવજી મહારાજના ઉપદેશો અને કાર્યોને યાદ કરીને, શિમ્પી સમાજે તેમની પુણ્યતિથિને યાદગાર અને પ્રેરણાદાયક બનાવી હતી..





