
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રિના અરસામાં ધીમીધારનો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.પવનનાં જોરદાર સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે રાત્રિ દરમિયાન જિલ્લાના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે અંધારપટ છવાઈ ગયો હતો.વરસાદની શરૂઆત મોડી રાત્રિએ થઈ હતી. શરૂઆતમાં ધીમી ધારે વરસેલા વરસાદે ધીમે ધીમે જોર પકડ્યુ હતુ.આકાશમાં વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા વાતાવરણને વધુ ભયાવહ બનાવી રહ્યા હતા.ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષોની ડાળીઓ હવામાં ઝૂલતી જોવા મળી હતી.વીજળી ગુલ થતા જ ગ્રામીણ વિસ્તારનાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ગિરિમથક સાપુતારા ખાતે પણ રાત્રિના અરસામાં અને વહેલી સવારમાં ધીમી ધારનો વરસાદ વરસ્યો હતો.વરસાદ બાદ સાપુતારા સંપૂર્ણપણે ધુમ્મસની સફેદ ચાદરથી છવાઈ ગયુ હતુ.સવારના સમયે પણ ધુમ્મસ એટલું ગાઢ હતુ કે વાહનચાલકોને દૃશ્યતા ઓછી થવાને કારણે મુશ્કેલીઓ પડી હતી.સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં વાહનચાલકોને પોતાની ગાડીઓની સિગ્નલ લાઈટ ચાલુ રાખીને વાહનો હંકારવાની ફરજ પડી હતી.સાપુતારા પંથકમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે, વીજળી ગુલ થવાને કારણે સ્થાનિકોને થોડા સમય માટે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારનાં અરસામાં જ ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બનવાની સાથે મીની કાશ્મીર જેવુ પ્રતિત થયુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી ઋતુચક્રનાં અનેરા સંગમથી પ્રકૃતિ ખીલી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો..




