GUJARATKHERGAMNAVSARI

નવસારીના ખેરગામ તાલુકામાં આવેલ આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ આછવણી ગામ ખાતે આવેલ સુ-પ્રસિદ્ધ ધામ એવા પ્રગટેશ્વર ધામનાં પ.પૂજ્ય. ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગુરુપૂર્ણિમા મહાઉત્સવમાં ગુરુપૂજન કરી ગુરુના આર્શીવાદ પામવા ભાવિકભકતો ભારે ભીડ જામી હતી.ગુરુદેવનાં આર્શીવાદ પામી ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય ઉજવણીના બે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ધાર્મિક મહોત્સવે સમગ્ર ગામમાં ગુરુમય વાતાવરણ સર્જાયો હતો.ગુરુપૂર્ણિમાના શુભ દિવસે વહેલી સવારે શિવ અભિષેક કરવાની સાથે મહારુદ્ર યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ દરમિયાન મંદિરની ધજારોહણવિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુપૂજન કરાયું હતું. ભૂદેવો કશ્યપભાઈ જાની, ચિંતનભાઈ જોષી, માનવ મહેતાએ યજ્ઞ, અભિષેક અને ગુરુપૂજન વૈદિક મંત્રોચ્ચાર થકી કરાવ્યું હતું. ગુરુપૂજન બાદ ૧૦૮ દીવાની આરતી કરવામાં આવી હતી. આ અવસરે વિધવા મહિલાઓને વરસાદની ઋતુને અનુલક્ષીને છત્રીનું વિતરણ કરાયું હતું. ગુરુપૂર્ણિમાના પૂર્વ દિવસે ધજારોહણ, ગરબા કર્યા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ અવસરે ધર્માંચાર્ય ગુરુદેવ પરભુદાદાએ ભગવાન સૌનું કલ્યાણ કરે અને સમૃદ્ધિ વધે તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, હળી મળીને કુટુંબ સાથે રહો, વ્યસનો છોડો અને વૃક્ષ વવો એ જ મારી ગુરુ દક્ષિણા છે, એ સિવાય મારે કંઈ જોઈતું નથી. તેમણે ભગવાનને સમર્પિત નરસિંહ મહેતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ભગવાનને માટે આપણે હાથ ન આપીએ તેને ભગવાન સાથ આપતા નથી. પાણીમાં તરવું હોય તો હાથ પગ પછાડવા પડે તેમ જીવન તરવા માટે પણ હાથ અને પગ હંમેશ માટે ચાલુ રાખવા જોઈએ. તમારા ભાગ્ય ઋણ ના કારણે તમે અહીં આવ્યા છો, હું કઈ કરતો નથી પણ દરેકના ભાગ્યમાં કર્મના લેખ લખાયેલા જ છે, તે જ પ્રમાણે થાય છે. ત્રણ જન્મના પાપનો સંહાર બીલીપત્રનું ઝાડ કરે છે, જેથી આજે બીલીપત્રનું ઝાડ આજે સૌને રોપવા માટે આપ્યું છે. વિધવા બહેનોને વરસાદ સામે રક્ષણ મળે તે માટે છત્રી આપી છે, જે પણ મેં નહીં પણ મારા ભક્તો દ્વારા જ લાવવામાં આવી છે. ગઈ કાલે ગામે ગામ ફરી વિધવા મહિલાઓ અને વિધુર ભાઈઓને છત્રી વિતરણ કરી હતી અને આજે અહીં પણ વિધવા મહિલાઓ તેમજ સાધુ સંતોને ૨૫૦ કરતાં વધુ છત્રી વિતરણ કરવામાં આવી છે.આ પ્રસંગે છોટે મોરારીબાપુએ જણાવ્યું હતું કે, સદગુરુ તમારું ભાગ્ય બદલાવી નાંખે છે. સદગુરુ ભગવાન કરતાં પણ મહાન છે, જેનું મન મોટું વિચારો શુદ્ધ હોય તે જ સાચા સદગુરુ કહેવાય, જેઓ તમારા જીવનમાં કદી અંધારું જ આવવા ન દે, એવા સદગુરુ તમને પરભુદાદા સ્વરૂપે મળ્યા છે જે તમારું સદભાગ્ય છે. પરભુદાદાની સેવા અનોખી છે, જેઓ દીન-દુઃખીયાઓને હંમેશા દાન કરતા રહે છે.દા. એ. ઇટાલીયા હાઇસ્કુલ ચીખલીના આચાર્ય મનોજભાઈ પટેલ તેમજ પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં પરભુદાદા જેવા ગુરુ તમને મળ્યા છે એટલે તમે સૌ ખૂબ જ ભાગ્યશાળી હોવાનું જણાવ્યું હતું.પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમારે ગુરુદેવ અને ગુરુમાતાને દંડવત પ્રણામ કરી સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમની જાણકારી આપી હતી અને અહીં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભગવાને ગુરુનંુ સ્થાન પરબ્રહ્મ તરીકે આપ્યું છે, એવા ભક્ત હ્રદયવાસી ધર્માચાર્ય યજ્ઞ વિભૂષણ રત્ન પરમપૂજય પરભુદાદા અને ગુરૂમાતા રમાબા અહીં ઉપસ્થિત સૌના હૃદયમાં બિરાજમાન છે. પ્રગટેશ્વર સેવા સમિતિ મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ તેમજ દમણના પ્રકૃતિબેન પટેલે ગુરુ મહાત્મ્ય વિષે મનનીય વક્તવ્ય આપી સમગ્ર વાતાવરણ ગુરુમય બનાવી દીધું હતું.પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાત-મહારાષ્ટ્રના  શિવભક્તોના ભક્તિ અને શ્રદ્ધાપૂર્ણ સામૂહિક પ્રયાસને કારણે ગુરુપૂર્ણિમા દિનની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી. સમિતિના પ્રમુખ બિપિનભાઈ પરમાર, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે. ખાંદવે, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ તથા અપ્પુભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ, પ્રવીણભાઈ પટેલ, અજયભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પ્રતિકભાઈ લાડ સહિત અન્ય શિવભક્તોએ પ્રાગટ્ય દિનના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ શુભ અવસરે ઠાકોરભાઈ પટેલ, પ્રવિણભાઈ મિસ્ત્રી, ભરતભાઇ દેસાઈ, અરુણભાઈ પટેલ, મનુભાઈ પટેલ, મનીષભાઈ દવે અને મયંકભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ તથા બી.સી.વસાવા સહિત ગ્રામજનો અને ગુજરાત-મહારાષ્ટ્ર શિવપરિવારના સભ્યો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઝીકુભાઈ પટેલે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!