GUJARAT

વિજયનગર ખાતે આવેલા વીરેશ્વર મહાદેવ મંદિરનો ઐતિહાસિક અને ધાર્મિક મહિમા

વિજયનગર ખાતે આવેલા વીરેશ્વર મહાદેવ મંદિરનો ઐતિહાસિક અને ધાર્મિક મહિમા
**

વિરેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળોના જંગલમાં આવેલું છે. વિરેશ્વર મહાદેવ મંદિર પવિત્ર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. આ મંદિર ખાસ કરીને અરવલ્લી પર્વતમાળાની નજીક વસેલું છે, જે હંમેશા ઠંડકભર્યું અને હરિયાળું વાતાવરણ ધરાવે છે. આ મંદિર શ્રી વિરેશ્વર મહાદેવને અર્પિત છે અને તેનું ઐતિહાસિક મહત્વ ૧૧મી-૧૨મી સદીના સમયગાળાની શિલ્પશૈલી દ્વારા સાબિત થાય છે.

વિરેશ્વર મંદિરને વધુ ખ્યાતિ “ગુપ્ત ગંગા” ના કારણે મળી છે. મંદિરની પાસે એક પ્રાકૃતિક પાણીનું સ્ત્રોત છે જેને “ગુપ્ત ગંગા” કહેવામાં આવે છે. અહીં પાણી સતત વહેતું રહે છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને મહાશિવરાત્રિ પર અહીં હજારો ભાવિકો અભિષેક અને દર્શન માટે ઉમટે છે. આ ગુપ્ત ગંગા મહાદેવજીના ચરણોમાંથી નીકળતી પવિત્ર ધારા તરીકે પૂજવામાં આવે છે. આ પાણીથી લોકો શિવલિંગ પર જળાભિષેક કરે છે. મંદિર નજીકથી એક ગૌમુખ જેવા સ્વરૂપથી શુદ્ધ પાણીનો પ્રવાહ થાય છે, જેને ભક્તો ગંગાજળ સમાન માન્યતા આપે છે. આ પાણી ક્યારેય સુકાતું નથી અને તેમાં ઔષધિય ગુણધર્મો હોવાનો લોકોમાં વિશ્વાસ છે.

મંદિરના મહંતશ્રી રામદાસજી જણાવે છે કે આ મંદિર સંવત ૧૩૬૧, કાર્તક સુદ પુર્ણીમાથી અત્યાર સુધી પ્રસિધ્ધ છે. મંદિરના પરીસરમાં આંબાવાળા હનુમાનજીનુ મંદિર અને અખંડ ધુણો આવેલ છે. અહિં આવનાર દરેક ભક્તને ચા-પાણી આપવામાં આવે છે. અહિ ૧૪-૪-૧૯૮૪ થી આજદિન સુધિ હરિભક્તોને અન્ન રૂપિ પ્રસાદિ આપવામાં આવે છે. શ્રાવણ માસમાં અહિં ગુજરાતના વિવિધ જગ્યાએથી ભક્તો શિવજીના દર્શન માટે આવે છે.
વધુમાં તેઓ જણાવે છે કે અહિં ગુરુપૂર્ણિમા, જેઠવદ અગિયારસ, કારતક સુદ પૂર્ણિમા, વૈશાખ સુદ ચૌદશ જેવા વિવિધ ખાસ દિવસો ઉજવાય છે. શ્રાવણીય અમાસના દિવસે ભવ્ય મેળો ભરાય છે જેમા ભારે જનમેદની જોવા મળે છે.

એવુ માનવામાં આવે છે કે વિરેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ ન રહી, પરંતુ એક સંસ્કૃતિના પ્રાચીન વારસાને જીવતું ઉદાહરણ છે. વિજયનગરનો શાંત અને કુદરતી વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શિવભક્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ આપે છે. તેથી, વિરેશ્વર મહાદેવ માત્ર મંદિર નથી – તે શ્રદ્ધા અને ભક્તિનો કેન્દ્રબિંદુ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!