VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવામાં અને ગુનાઓ ડીટેક્ટ કરવામાં સફળતા મળી

લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા અટકાવવા સીસીટીવી કેમેરા ખુબ જ ઉપયોગી

વલસાડ જિલ્લો તથા કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે કેમિકલ્સ, ગારમેન્ટ, પ્લાસ્ટીક, ફાર્માસ્યુટીકલ, પેપર અને જંતુનાશક દવા વિગેરેનું ઉત્પાદન કરતા નાના-મોટા ઔધોગિક એકમો આવેલા છે તેની સાથે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. જેના કારણે વલસાડ જિલ્લામાં પરપ્રાંતીય લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.

ભુતકાળમાં વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા બનેલા મિલકત અને શરીર સબંધી ગુનાઓમાં રાજય બહારની ગેંગ અને ગુનેગારોની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના મિલકત સંબંધી અને શરીર સબંધી ગુનાની તપાસ દરમ્યાન સ્થાનિક પોલીસ, લોકલ કાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તથા અન્ય શાખા/સ્કવોડ દ્વારા વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગ, રેલ્વે વિભાગ, જુદા-જુદા સરકારી વિભાગ, ખાનગી વ્યકિત કે સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજનો અભ્યાસ કરી ગુનામાં સંડોવાયેલ વ્યકિતના ફોટોગ્રાફ્સ અને ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહનના પ્રકાર અને વાહનના નંબર, ગુનાની મોડસ ઓપરેન્ડીના આધારે જુદી-જુદી ગેંગ કે ગુનેગારની ઓળખ કરી ગુનાઓ ડીટેકટ કરવામાં આવ્યા છે. આમ સી.સી.ટી.વી. કેમેરા ગુનાની તપાસ તથા ગુના શોધવા ખુબ જ ઉપયોગી છે.

સી.સી.ટી.વી. કેમેરા ટ્રાફીક નિયમન અને રોડ અકસ્માત સબંધી ગુનાઓ શોધવામાં ખુબ જ મદદરૂપ થાય છે. રહેણાંક વિસ્તાર, સોસાયટી. બિલ્ડીંગ, શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થા વિગેરેમાં સિનિયર સિટીઝન. મહિલા, બાળકો અને વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષા માટે સી.સી.ટી.વી. ખુબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. જુદી-જુદી બેન્કો, નાણાંકીય સંસ્થા, આંગડીયા પેઢી, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ફુડ ઝોન, કોમર્શિયલ બિલ્ડીંગ, શોપિંગ મોલ, શૈક્ષણિક સંસ્થાઓ, જવેલરી શોપ, શો-રૂમ, પાર્કિંગ પ્લોટ, પાર્ટી પ્લોટ, લગ્ન હોલ, ખાનગી મનોરંજન સ્થળો. હોસ્પિટલ, લેબોરેટરીઝ, મેડીકલ સ્ટોર, તમામ મોટા શાકભાજી માર્કેટ, માર્કેટિંગ યાર્ડ, હાઈરાઈઝ/લોરાઈઝ બિલ્ડિંગ્સ, ક્લબ હાઉસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ટ્રાવેલિંગ એજન્સી, ટ્રાન્સપોર્ટ ઓફિસ, કુરીયર ઓફિસ, ધાર્મિક સ્થળો સ્થળ વગેરે સી.સી.ટી.વી. કેમેરા દ્વારા લોકોના માલ મિલકત ઉપર દેખરેખ રાખી નુકશાન થતુ અટકાવી શકાય તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર વોચ રાખી શકાય છે. આમ, વલસાડ જિલ્લામાં લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનાઓ શોધવા માટે સી.સી.ટી.વી. કેમેરા ખુબ જ ઉપયોગી છે. જરૂરીયાત મુજબ એન્ટ્રી, એકઝીટ, આવવા જવાના રસ્તા, પાર્કિંગ, મકાન/બિલ્ડીંગના આગળ-પાછળ અને બંને સાઇડ તરફ મુખ્ય રોડ રસ્તા કવર કરે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો અમલ તા.૨૨-૦૯-૨૦૨૫ સુધી રહેશે.

જિલ્લામાં બનતા મિલકત અને શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને મદદરૂપ થાય તે હેતુ માટે તેમજ જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા સારૂ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની ક્લમ-૧૬૩થી મળેલી સત્તાની રૂએ ઉપરોક્ત જણાવેલા પ્રિમાઈસીસ સ્થળે સી.સી.ટી.વી. કેમેરા (વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ કાર્યરત કરવા હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!