મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના રૂ.૧૩ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના શ્રેષ્ઠ ઇકોફ્રેન્ડલી ગણેશ પંડાલનું સન્માનકેતેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે આજરોજ નવસારી તીઘરા સમસ્ત લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતેથી નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા વહીવટીતંત્રના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત નવસારી જિલ્લા પ્રભારી અને નાણા – ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના સફળ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યએ વિકાસના નવા આયામ સર કર્યા છે. ૨૪ વર્ષ પહેલા શરૂ કરેલી વિકાસ યાત્રામાં ગરીબો-વંચિતોની સાથે બાળકો, મહિલાઓ, ખેડૂતો અને આદિમ જૂથ સહિતના નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી સૌના સહિયારા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા,સેવાસેતુ જેવા અનેક વિકાસલક્ષી પ્રયાસો થકી ગુજરાતને સમગ્ર ભારતના મોડેલ સ્ટેટ તરીકે વિકસાવ્યું છે. નવસારી શહેર નગરપાલિકા માંથી મહાનગરપાલિકામાં સમાવેશ તથા શહેરનો વિકાસ સાથે લોકોના જનસુખાકારીમાં સતત વધારો થશે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, કોઇ પણ શહેરનો વિકાસ લોકભાગીદારી વગર શક્ય નથી. જેથી નવસારી જિલ્લો હંમેશા અગ્રહરોળમાં રહે તે માટે આપણે સૌ સંકલ્પબધ્ધ થઇએ. નવસારીમાં આજ રોજ ૧૩ કરોડના વિવિધ વિકાસ કામો થકી લોકોની સુખાકારીમાં વધારો થશે તથા આગામી સમયમાં ઉચ્ચ કક્ષાની કામગીરીનું આયોજન હાથ ધરાયું છે. જેથી આપણે ગર્વ કરી શકીએ તેવો જિલ્લો બનાવવામાં સરકારશ્રી અને વહિવટી તંત્રનો સાથ સહકાર આપીએ
કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા શહેરીકરણ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એમ જણાવી નવસારી શહેર વિકાસનુ ગ્રોથ એન્જિન બનવા ગુજરાત રાજ્યમાં આગેવાની કરે તે માટે સક્રિય ભાગીદારી નોંધાવવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે વિકાસના પાસાઓ અંગે સૌને જાગૃત કરી નવસારી જિલ્લામાં ધ્યાને લેવાની બાબતો, નવસારી જીલ્લા તથા મહાનગરપાલીકાના વિકાસની દિશામા આયોજન માટે લેવાયેલા કામો અંગે પણ સૌને માહિતગાર કર્યા હતા.
નવસારી મહાનગરપાલિકા કમીશ્નર શ્રી દેવ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે મંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ થયેલા કામો અને ખાતમુહુર્ત થયેલા કામો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ અવસરે મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે નવસારી મનપાના રૂ.૭.૪૫ કરોડના અને નવસારી જિલ્લા વહીવટી હસ્તકના વિવિધ વિભાગના રૂ.૫.૭૨ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાથે જિલ્લા તથા મહાનગરપાલિકાના શ્રેષ્ઠ ગણેશ ઈકો ફ્રેન્ડલી વિજેતાઓનું સન્માન તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
<span;>મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના વિકાસ સપ્તાહનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું . કાર્યક્રમ બાદ નવસારી મહાનગરપાલિકાના સફાઈના વાહનોનું મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચયાત પ્રમુખ પરેશભાઈ દેસાઈ , નવસારી મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ , સહિત મનપા અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.