BHARUCHGUJARATJHAGADIYA

શ્રી ગણેશ સુગર વટારીયા ખાતે ૭૯ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

શ્રી ગણેશ સુગર વટારીયા ખાતે ૭૯ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

 

સુગરના ચેરમેન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

 

ગણેશ સુગર વટારીયા ખાતે ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ મહીડા,ઇ.મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા, અધિકારીઓ-કર્મચારીગણ, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગે સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું. ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા સર્વેને ૭૯માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ચેરમેને પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, આજનો દિવસ દરેક ભારતીય માટે ખાસ છે. આપણા સ્વાતંત્ર સેનાનીઓ સદીઓ સુધી ભારતને બ્રિટિશ શાસનથી આઝાદ કરાવવા માટે અંગ્રેજો સામે લડ્યા અને અંતે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ નો દિવસ દરેક ભારતીય ના ભાગ્યમાં સ્વતંત્રતાનો નવો પ્રકાશ લઈને આવ્યો. જો આપણે આજે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઇ રહ્યા છીએ તો તેનો શ્રેય તે અસંખ્ય ક્રાંતિકારીઓને જાય છે જેઓ એ “ભારત માતાકી જય” ના નારા સાથે હસતા હસતા પોતાના જીવનું બલિદાન આપ્યું. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતી વખતે આપણે આપણા સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાની આપણી ફળજોને પણ યાદ રાખવી પડશે કે, આપણે એક એવું મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવીશું, જેનું સ્વપ્ન આપણા સ્વતંત્ર સેનાનીઓએ જોયું હતું. આજે આપણા સમાજ માટે દ્રઢ અને સતત પ્રયત્નો કરવા પડશે અને પ્રમાણિકતાથી આપણી ફરજો નિભાવી પડશે. વધુમાં તેઓએ જણાવ્યું કે, આપણી સુગર ફેક્ટરી પણ સ્વતંત્રતા ના ઉદયનું એક સોપાન છે, આપણી સુગર ફેક્ટરી એ એક–મેકનો સહકાર અને સર્વેની આર્થિક શક્તિ, સામાજિક એકતા અને વિચાર સ્વતંત્રતા હાંસલ કરવાનો માર્ગ છે.

 

ખાંડ ઉદ્યોગમાં સહકારી પદ્ધતિએ દરેક ખેડૂત સભ્યને માલિક બનાવી દીધો છે. આ જ તો સાચો સ્વતંત્રતાનો અર્થ છે, કે જ્યારે શ્રમિક, ખેડૂત અને ઉદ્યોગ એકબીજાના સહભાગી બન્યા છે. આપણી સહકારી ખાંડ મંડળી વર્ષોથી માત્ર ખાંડનું ઉત્પાદન જ નહીં, પરંતુ ગામડાની આર્થિક પ્રગતિ, રોજગારીનું સર્જન, તથા સામાજિક વિકાસનું કેન્દ્ર બની કામ કરી રહી છે. સ્વતંત્રતા દિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ સંકલ્પ કરવાનો દિવસ છે.

 

ચાલો, આપણે મળીને આજના દિવસે આ પ્રતિજ્ઞા લઈએ કે, ખેડૂતના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશું અને આપણી સંસ્થાનું પણ જતન કરીશું, સહકારના મૂલ્યોને અડગ રાખી પારદર્શક કામગીરી કરીશું, નવયુવા પેઢીને સહકારના કાર્યમાં જોડીને ભવિષ્ય મજબૂત બનાવશું. આજે જ્યારે તિરંગો આકાશમાં લહેરાઈ રહ્યો છે, ત્યારે આપણા મનમાં ગર્વનો અનુભવ થવો સ્વાભાવિક છે. પણ એ સાથે, આપણાં ખભા પર જવાબદારીનો ભાર પણ છે, કે આ સ્વતંત્રતા આપણા બાળકો અને આવનારી પેઢીઓ માટે વધુ સુખમય, સુરક્ષિત અને સમૃદ્ધ જીવનનું સ્વપ્ન સાકાર કરે તેઓએ સૌને આહવાન કરતા કહ્યું કે, આવો, સહકાર અને એકતાની શક્તિ સાથે આગળ વધીએ, ભારતના નવા નિર્માણમાં આપણું યોગદાન આપીએ

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!