વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારાની તળેટીમા આવેલા માલેગામ ધાટમાર્ગમા નાસિકના ત્ર્યંબકેશ્વરથી દ્વારકા ખાતે ધાર્મિક પ્રવાસે જઇ રહેલી એક ખાનગી લક્ઝરી બસને તારીખ ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૫ વાગ્યાના સમય દરમિયાન નડેલા અકસ્માતમા, ઘાયલ થયેલા મુસાફરો પ્રત્યે, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સંવેદનશિલ અભિગમ અપનાવી ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલને આ ઘટના અંગે જાણ થતાં તેઓ વહિવટી તંત્રની સમગ્ર ટીમ સાથે ત્વરિત હોસ્પિટલની મુલાકાતે પહોંચી જઇ ઘાયલ વ્યક્તિઓને તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ કરી હતી. શામગહાન સી.એચ.સીમાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તમામ આરોગ્ય કર્મીઓને તૈનાત કરી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. વઘુ ઘાયલ વ્યક્તિઓને આહવા તેમજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વાહન વ્યવસ્થા કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સામાન્ય ઇજા ધરાવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તંત્ર દ્વારા તેઓના વતન જવા માટે બસની પણ સગવડતા કરવામાં આવી હતી. જેમાં ડાંગ જિલ્લાના ૩ મેડીકલ સ્ટાફ અને ૧ પોલીસ ઓફિસર સાથે કુલ ૧૯ દર્દીઓને સહિસલામત પોતાના વતન પહોચાડ્યા હતા. એસ.ટી વિભાગના સહયોગ થી દર્દીઓને મધ્યપ્રદેશની પીટોલી બોર્ડર સુધી પહોચાડવામાં આવ્યાં હતા. જ્યાં મધ્યપ્રદેશના પ્રશાસન પાસે દર્દીઓને સહિસલામત પહોચાડવામાં આવ્યાં હતાં. સાથે જ ઘટનામા અકસ્માતે મૃત્યુ પામેલ મૃતકોને તેઓના વતન મધ્યપ્રદેશમા મોકલવા માટે તંત્ર દ્વારા વહાનની વ્યવસ્થા કરવામા આવી હતી.
જિલ્લામાં બસ અકસ્માતની દુખદ ઘટના બનતાં જિલ્લા વહિવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર મામલતદાર, આરોગ્ય અધિકારી સહિત, સાપુતારા નોટીફાઇ એરીયાના મામતદાર, સહિત વહિવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા, સંપુર્ણ નિષ્ઠાપુર્વક રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી હતી.