પંચમહાલના શહેરા તાલુકાના વલ્લવપુરના નરેન્દ્રસિંહ સોલંકીની ‘ઝીરો બજેટ’ ખેતીની પ્રેરણાદાયી સફર

પંચમહાલ શહેરા
નિલેશ દરજી શહેરા 
કહેવાય છે કે “ધરતી માતાને જેવું આપશો, તેવું જ તે વળતર આપશે.” પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક નાના એવા ગામ વલ્લવપુરના ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકી આ વાતને આજે જીવંત કરી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે રાસાયણિક ખાતરો અને મોંઘી જંતુનાશક દવાઓના ખર્ચ તળે નરેન્દ્રસિંહ દબાયેલા હતા, પરંતુ આજે તેઓ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતીના મશાલચી બન્યા છે.
આજથી પાંચ વર્ષ પહેલાં નરેન્દ્રસિંહની સ્થિતિ અન્ય સામાન્ય ખેડૂતો જેવી જ હતી. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ અને જમીન દિવસેને દિવસે કઠણ અને બિનફળદ્રુપ બની રહી હતી. ટ્રેક્ટરથી ખેડ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. આર્થિક સંકડામણ અને જમીનની બગડતી હાલત જોઈ નરેન્દ્રસિંહે પરિવર્તનનો સંકલ્પ કર્યો.
નરેન્દ્ર સિંહના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી. આ તાલીમે તેમની દ્રષ્ટિ બદલી નાખી. તેમણે નક્કી કર્યું કે હવે ખેતરને ઝેરમુક્ત કરવું છે.
શૂન્ય ખર્ચની ખેતી નરેન્દ્રસિંહે
બજારમાંથી મોંઘા બિયારણ કે ખાતર લાવવાનું બંધ કર્યું. આજે તેઓ પોતાના ઘરે જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજમૃત અને ઘનામૃત તૈયાર કરે છે. બેરલમાં છાણ, ગૌમૂત્ર, ગોળ અને માટીનું મિશ્રણ બનાવીને તેઓ કુદરતી પોષક તત્વો તૈયાર કરે છે.
પ્રાકૃતિક કૃષિ કરવાથી ખેડૂત નરેન્દ્ર સિંહને અદભૂત લાભ થયો છે.જેમાં સૌ પ્રથમ તો જમીનમાં સુધારો આવ્યો છે.વર્ષો પછી જમીનમાં અળસિયાં પાછા ફર્યા છે, જેનાથી જમીન કુદરતી રીતે જ પોચી અને ફળદ્રુપ બની છે.આજે તેમના ખેતરમાં માત્ર એક પાક નહીં, પણ ઘઉં, મકાઈ, બાજરીથી લઈને ટામેટા, મરચી, હળદર, બીટ અને પાલક જેવા અનેક પાકો લહેરાઈ રહ્યા છે.
આર્થિક આઝાદી: ખેતીનો ખર્ચ ‘નજીવો’ થઈ ગયો છે અને ઉત્પાદન ‘મબલક’ મળી રહ્યું છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ સધ્ધર બની છે.
નરેન્દ્રસિંહ ગર્વ સાથે કહે છે કે, “પ્રાકૃતિક ખેતીથી પાકેલું અનાજ અને શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.” તેઓ માત્ર પોતાના ખેતર પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ આસપાસના અન્ય ખેડૂતોને પણ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે.
નરેન્દ્રસિંહ સોલંકીની પ્રાકૃતિક કૃષિમાં મળેલ સફળતા દર્શાવે છે કે,જો ખેડૂત પરંપરાગત જ્ઞાન અને પ્રાકૃતિક કૃષિના માર્ગદર્શનનો યોગ્ય સમન્વય કરે, તો ખેતી એ ‘ખોટનો ધંધો’ નહીં પણ ‘સમૃદ્ધિનો માર્ગ’ બની શકે છે.






