વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નડાબેટ ખાતે ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરાયું

10 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રાણી, પક્ષી અને માનવ વચ્ચે સમન્વય સાધવા માટે નડાબેટ ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે:- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ઇકો-ટુરિઝમના વિકાસમાં નડાબેટ મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે : રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
પક્ષીઓના સંરક્ષણ માટે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ :- રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર
બોર્ડર ટુરિઝમ અને વન્યજીવન જાગૃતિ માટે નડાબેટમાં નવી પહેલ: યાયાવર પક્ષી ડેટાબેઝ પુસ્તિકા અને ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું વિમોચન કરાયું નડાબેટ રણ વિસ્તારમાં દર શિયાળે ૧૫ લાખથી વધુ પક્ષીઓ અને ૧૮૩ જેટલી પ્રજાતિઓ આવે છે.વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળી તથા ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લાના નડાબેટ ખાતે તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે યાયાવર પક્ષીઓની ડેટાબેઝ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, પ્રકૃતિના સિદ્ધાંતોને અનુરૂપ આપણે આગળ વધવું જોઈએ. પ્રકૃતિ પાસેથી મળેલી તમામ સુવિધાઓ અને સંસાધનો પાછા પ્રકૃતિને આપવા તે આપણી ફરજ છે. વિકાસની સાથે પ્રકૃતિની અમૂલ્ય ધરોહર જાળવવી એ અત્યંત જરૂરી છે. નડાબેટને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વન વિભાગના સક્રિય સહયોગથી બોર્ડર ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી પ્રવાસીઓને પ્રકૃતિ, વન્યજીવન અને સ્થાનિક સંસ્કૃતિ વિષે શિક્ષણ અને જાગૃતિ મળી રહેશે.
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નડાબેટ પર્યટન સ્થળ તરીકે વિકસિત થયું છે. આજે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે જેનાથી સ્થાનિક યુવાઓ માટે રોજગારી, તાલીમ અને કૌશલ્ય વિકાસની નવી તકો ઊભી થઈ રહી છે. સરકારની યોજનાઓ અને સુવ્યવસ્થિત કામગીરી દ્વારા નડાબેટને સમગ્ર રાજ્ય અને દેશ માટે ઇકો-ટુરિઝમમાં એક આગવું અને પ્રેરણાદાયક કેન્દ્ર બનાવવાનું ધ્યેય છે. પ્રકૃતિ સાથે સંતુલિત વિકાસ કરીને સ્થાનિક આર્થિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ બંનેમાં સમન્વય સાધવો આપણું મુખ્ય લક્ષ્ય છે.રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની કલ્પનાથી નડાબેટને બોર્ડર ટુરિઝમ તરીકે વિકસાવવાની શરૂઆત થઈ છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે, જેના કારણે સ્થાનિકોને રોજગાર મળે છે. પ્રાણી, પશુ અને પંખી પ્રત્યે સંવેદનશીલતા વિકસે તે હેતુથી રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે.નડાબેટ ખાતે દર વર્ષે ૧૮૩થી વધુ યાયાવર પક્ષી પ્રજાતિઓનું આવાગમન થાય છે. અહીં ભારતમાં ઘુડખર માટેનું એકમાત્ર અભ્યારણ આવેલું છે.જેને જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. પ્રાણી અને માનવ વચ્ચેના સમન્વય માટે જનજાગૃતિ ઊભી કરવા ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વિસ્તારની ભૌગોલિક વિશિષ્ટતાઓને કારણે નડાબેટ ધાર્મિક તથા પર્યટન સ્થળ તરીકે વધુ વિકસશે.રાજ્ય સરકારે સિરકિકથી ધોરડો, નડાબેટ, ડીસા, બાલારામ સફારી, અંબાજી, ધરોઈ, પાટણની રાણીની વાવ તથા અમદાવાદને જોડતી ટુરિઝમ સર્કિટ વિકસાવી છે, જેમાં ઇકો-ટુરિઝમને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરએ જણાવ્યું હતું કે, નડાબેટ રણ વિસ્તારમાં દર શિયાળે ૧૫ લાખથી વધુ પક્ષીઓ અને ૧૮૩ જેટલી પ્રજાતિઓ આવે છે. આ પક્ષીઓના સંરક્ષણ માટે સૌએ મળીને પ્રયાસ કરવો જરૂરી છે.આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષશ્રી તથા મંત્રીશ્રીઓએ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ વુલ્ફ સોફ્ટ રીલીઝ સેન્ટર, નડાબેટની પણ મુલાકાત લેવામાં આવી.
નડાબેટ ઇન્ટરપ્રિટેશન સેન્ટર દ્વારા સરહદી વિસ્તારમાં આવેલા વન્યજીવન, પર્યાવરણ સંરક્ષણ, સરહદી સંસ્કૃતિ અને પ્રવાસન વિકાસ અંગે મુલાકાતીઓને માહિતગાર કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. જે પ્રવાસન ક્ષેત્રે નવી દિશા આપશે તથા સ્થાનિક વિકાસને વેગ આપશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનશ્રી ડી.ડી. રાજપૂત, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, શ્રી પી.જી. ગાર્ડી, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.










