INTERNATIONAL

સમુદ્રમાં વિમાન ક્રેશ થતાં 6 પોલીસકર્મીઓના કમકમાટીભર્યા મોત

થાઈલેન્ડથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. થાઈલેન્ડનું એક વિમાન અચાનક સમુદ્ર ઉપર ક્રેશ થયું હતું. આ વિમાનમાં 6 પોલીસકર્મીઓ સવાર હતા. વિમાન દુર્ઘટનામાં તમામ પોલીસકર્મીઓના દુઃખદ મોત નીપજ્યા છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટના થાઈલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં એક નાનું પોલીસ વિમાન સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે અચાનક વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

આ ઘટના થાઈલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉનની છે. અહીં એક પોલીસનું એક નાનું વિમાન સમુદ્ર પર ઉડતું હતું. અને પછી અચાનક વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાંથી વિસ્ફોટનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાયો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ અકસ્માત 25 એપ્રિલના રોજ સવારે 8:15 વાગ્યે થયો હતો. થાઈલેન્ડના ફેચબુરી પ્રાંતમાં ચા- અમ રિસોર્ટ પાસે સમુદ્રમાં એક વિમાન ક્રેશ થતુ જોવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ ચા- અમ પોલીસ સ્ટેશન અને હુઆઈ સાઈ તાઈનું પેટ્રોલ યુનિટ ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું. પોલીસ બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.

તમને જણાવી દઈએ કે, આ વિમાનમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે અધિકારીઓને પેરાશૂટ તાલીમ આપવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક આ વિમાનનું સંતુલન ખોરવાતાં વિમાન ક્રેશ થઈ ગયું હતું અને સમુદ્રમાં ખાબક્યું હતું. વિમાન સમુદ્રમાં પડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ દુર્ઘટનાની માહિતી આપતાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, અહીં વિમાન ક્રેશ થવા અંગેની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે વિમાન જમીનથી 100 મીટરના અંતરે સમુદ્રમાં પડી ગયું હતું. આટલી  ઊંચાઈએથી વિમાન પડવાના કારણે વિમાનના 2 ટુકડા થઈ ગયા હતા. આ વિમાનમાં સવાર 5 પોલીસ અધિકારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઉપરાંત એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

Back to top button
error: Content is protected !!